ધીનગર-

ગાંધીનગરના અટીરા બિઝનેસ હબમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયને ફાયરબ્રિગેડે સીલ મારી દીધુ છે. પાટનગરમાં આપના કાર્યાલય ઉપરાંત અટીરા બિઝનેસ હબની ૩૦થી વધુ દુકાનો અને અન્ય વિસ્તારમાં આવેલા બે મોલ પણ સીલ કરી દેવાતા વેપારીઓમાં દોડધામ મચી છે. ગાંધીનગર ફાયર વિભાગના અધિકારી મહેશ મોડે કહ્યું કે, અવારનવાર નોટીસો આપવા છત્તાં આજ સુધી સરગાસણનાં અટીરા બિઝનેસ હબ, સિદ્ધરાજ ઝોરીનાં બી - માર્ટ મોલ તેમજ કુડાસણનાં વૃંદાવન ટ્રેડ સેન્ટરમાં આવેલ મૅપલ મોલના માલિકોએ ફાયર સેફ્ટીની સુવિધા કરી નથી.

આ એકમોના માલિકોને નોટિસ આપીને ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરી લઈને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી લેવાની સૂચના આપવામાં આવી હતી. ટૂંકમાં તેમને ફાયર સેફ્ટી સંદર્ભે સલામતી માટે શાં શાં પગલા લેવા તે અંગેની પાકી સમજણ પણ આપવામાં આવી હતી. જે મુજબ તમામ પગલાં લઈને તેની પૂર્તતા થઈ ગઈ હોવાનું પ્રમાણપત્ર તેમણે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ પાસે મેળવી લેવાનું હતું. આ સૂચના મુજબ દરેકે સ્થિતિ પ્રમાણે અલગ અલગ વ્યવસ્થા કરવાની હોય છે. ફાયર એક્સ્ટિન્ગ્યુશર, ઓટો મોડયુલર એક્સ્ટિન્ગ્યુશર, બિલ્ડિંગ કોડ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવા જણાવવામાં પણ આવ્યું હતું. એક મહિનાની તેમને આપવામાં આવેલી મહેતલની અંદર ફાયર સેફ્ટીની વ્યવસ્થા તેમણે ઊભી કરી નથી. જેના પગલે ઉપરોક્ત કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ બે મોલ સીલ કરવામાં આવ્યાં છે.