અમદાવાદ-

કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે, કેમ કે જ્યાં સુધી કોરોના રોગચાળા સામે વેક્સિન તૈયાર ના થાય ત્યાં સુધી માસ્ક જ લોકોને કોરોનાથી બચવાનો ઉપાય છે. દેશ-દુનિયામાં કોરોનાનુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેમ છતાં રાજ્યમાં લોકો માસ્ક પહેરવામાં પણ બેદરકારી રાખી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આવામાં માસ્ક ન પહેરનારાને દંડવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે 103 દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 52,35,61,800 રૂપિયાનો દંડ નાગરિકો પાસેથી વસૂલાયો છે, એટલે કે રોજના સરેરાશ પાંચ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

રાજ્યના નાગરિકો પાસેથી પોલીસે માસ્ક નહીં પહેરવા બદલ છેલ્લા ત્રણ મહિનામાં જ એટલે કે 103 દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે. જ્યારે શહેરના નાગરિકો પાસેથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મળીને દંડ પેટે 11 કરોડ રૂપિયા પડાવી લીધા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ શહેરની સંખ્યાબંધ હોટેલો, મોલ સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે.