અમદાવાદ-

ગુજરાતમાં કોરોના સંકટ કાબુમાં હોવાના સહકારી દાવા વચ્ચે નવા કેસોની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચતી રહી છે. દર એક મીનીટે એક નવો કેસ થયો હોય તેમ ચોવીસ કલાકમાં રેકોર્ડબ્રેક 1442 કેસ નોંધાયા હતા. સુરતમાં છેલ્લા બે માસમાં પ્રથમ વખત 300 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં નવમી વખત કોરોનાના દૈનિક કેસોનો નવો રેકોર્ડ સર્જાયો છે. આ પુર્વે 19 સપ્ટેમ્બરે સર્વોચ્ચ 1432 કેસ નોંધાયા હતા. 1442 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ સંખ્યા 1,30,391 પર પહોંચી હતી. સપ્ટેમ્બર મહિનાના કુલ કેસ 33956 થયા છે અને 374 લોકોના મોત નિપજયા છે. 

રાજયમાં કોરોના હોટસ્પોટ એવા સુરતમાં ફરી મહામારીનો ફુંફાડો હોય તેમ બે મહિના પછી પ્રથમ વખત 300થી વધુ કેસ નોંધાયા હતા. રાજયમાં સતત સાતમા દિવસે ટેસ્ટીંગ ઓછા હતા. ચોવીસ કલાકમાં કુલ 61912 લોકોના કોરોના પરિક્ષણ થયા હતા. 

ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા જામનગર જેવા પાંચ જીલ્લામાં જ સૌથી વધુ 886 કેસો નોંધાયા હતા. અમદાવાદમાં 182, રાજકોટમાં 148, વડોદરામાં 142, જામનગરમાં 114 કેસો નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 35854 થયા છે.