અમદાવાદ-

ઉત્તર ભારતમાં શીત લહેરની અસર ગુજરાતમાં પણ પડી રહી છે. આજે તાપમાનમાં નજીવો વધારો થતા લોકોને ઠંડીથી રાહત મળશે, પરંતુ ત્યાર બાદ ૨૭થી ૨૯ ડિસેમ્બર અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ તિવ્રતા વધવાની આગાહી છે અને આવતીકાલથી કોલ્ડવેવની અસર શરૂ થશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં જ નીચલા લેવલ પર રહેલા ઠંડા અને સૂકા પવનોના કારણે શહેરમાં ૨૭થી ૨૯ ડિસેમ્બર વચ્ચે ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે પહોંચશે. જ્યારે વડોદરામાં ૨૯ ડિસેમ્બરે પારો ૮ ડિગ્રી સુધી નીચે ગગડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ એક ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ટર્ફ સ્વરૂપે ઉત્તર-પૂર્વ દિશાની આસપાસ રહેલું છે.

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૭ ડિસેમ્બરની આસપાસ પશ્ચિમ હિમાલય અને ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોને અસર કરશે. શુક્રવારે અમદાવાદમાં ૧૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. જેથી છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો થયો છે. બીજી તરફ નલિયા ૭.૯ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતુ. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે, અમદાવાદમાં ૨૭થી ૨૯ ડિસેમ્બર દરમિયાન ૧૦ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં તબક્કાવાર વધારો થશે.

આ પછી લઘુતમ તાપમાન ૩થી ૪ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં વધારો થઇ શકે છે. નોંધનીય છે કે, કાશ્મીરમાં નદી-ઝરણાં જામવા લાગ્યાં છે. બીજી બાજુ, રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ૧૧ દિવસથી બરફ જામ્યો છે. શુક્રવારે તાપમાન ૧ ડીગ્રીની આસપાસ હતુ. આગામી દિવસોમાં મેદાન વિસ્તારમાં ઠંડા પવનને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે ઉત્તરાખંડમાં ૨૭ ડિસેમ્બરે વરસાદ થઈ શકે છે. લાહોલ સ્પિતિના કાજામાં ૩૭૨૦ મીટર ઊંચાઈ પર તાપમાન માઈનસ ૨૦ ડીગ્રી હોવા છતાં અહીં આઈસ હોકી કેમ્પ ચાલી રહ્યો છે.