અમદાવાદ-

રાજ્ય સરકારે હવે કોરોના કાબુમાં આવી જતા પહેલા ધો. ૧૦ અને ધો.૧૨ની સ્કૂલો શરૂ કરી હતી ત્યારબાદ વિધિવત રીતે ધો. ૯ અને ૧૧ના શિક્ષણકાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતાની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા ધો ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અને હવે કાલથી રાજ્યભરની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ૮૮ શાળાઓમાં ૫૪ હજાર અને જિલ્લા પંચાયત હસ્તકની ૮૭૪ શાળાઓમાં ૫૦ હજાર અને ખાનગી સ્કૂલોમાં અંદાજીત ૫૦ હજાર વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણકાર્ય આવતીકાલથી શરૂ થશે. સ્કૂલો શરૂ થાય તે પહેલાં વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવું પડશે. સાથોસાથ તમામ કલાસરૂમ પણ સેનેટાઇઝ કરવાના રહેશે. શાળાઓએ આવતા વિદ્યાર્થીઓને માસ્ક ફરજીયાત, થર્મલ ગનથી ચેકીંગ તેમજ સતત હાથ સેનેટાઇઝ કરતા રહેવું પડશે. આ ઉપરાંત એક ક્લાસમાં ફક્ત ૨૦ જ વિદ્યાર્થીઓને બેસાડવાના રહશે અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવાનું રહેશે. તેમજ જે સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પ્રશ્નો ઉભા થાય એમ હોય તેવી સ્કૂલો સવાર અને બપોર બાદ એમ બે પાળીમાં સ્કૂલો ચલાવી શકશે. જો કે હજુ ૧ થી ૫ ધોરણનું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. જોકે ચુંટણી બાદ આ વિશે પણ નિર્ણય આવી શકે તેવી પૂરી સંભાવના છે. જો કે આગામી રવિવારના રોજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને સાથોસાથ આવતીકાલથી ૬ થી ૮ની સ્કૂલો શરૂ થઈ છે. તો મોટાભાગની સ્કૂલોમાં મતદાન બુથ માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે.