અમદાવાદ-

કોરોનાને લીધે એમબીબીએસના વિદ્યાર્થીઓને એક વર્ષની કરવી પડતી ઈન્ટર્નશિપમાં રેગ્યુલર ક્લિનિકલ ટ્રેનિંગ મળી શકી નથી નથી જેથી નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ મેડિકલ કોલેજાેના યુજી સ્ટુડન્ટસ માટે ઈન્ટર્નશિપ મુદત વધારી ૩૧મી મે સુધી કરવામાં આવી છે. જેના પગલે હવે નીટ પણ મોડી લેવાશે. પરંતુ હજુ સુધી નીટ પરીક્ષાની તારીખ અને પરીક્ષા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા જાહેર કરવામા આવી નથી.

કોરોનાને લીધે માર્ચથી તમામ કોલેજાે બંધ થઈ ગઈ છે અને જેમાં મેડિકલ કોલેજાેનો પણ સમાવેશ થાય છે. કોરોના તેમજ લોકડાઉનને પગલે રેગ્યુલર ઓપીડીથી માંડી સર્જરી પણ બંધ થઈ જતા એમબીબીએસના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બાદ કરવી પડતી ઈન્ટર્નશિપમાં નુકશાન થયું હતું. ઈન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને ક્લનિકલ ટ્રેનિંગ મળતી હોય છે પરંતુ દર્દીઓના અભાવે પુરતી ટ્રેનિંગ પણ મળી શકી ન હતી. કોલેજાે-હોસ્પિટલોમાં સમાન રીતે ઈન્ટર્નશિપ ન જળવાતા નેશનલ મેડિકલ કમિશને તમામ મેડિકલ કોલેજાે-યુનિ.ઓને ઈન્ટર્નશિપ કેલેન્ડર રીશીડયુલ કરવાની મંજૂરી આપી છે.

વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપમાં ક્લનિકલ ક્લર્કશિપના સમયગાળાનું જે નુકશાન થયું છે તે ભરપાઈ કરવા માટે ઈન્ટર્નશિપ મુદત ૩૧ મે સુધી વધારી આપી છે. મોટા ભાગે ૩૧ માર્ચ સુધીમાં ઈન્ટર્નશિપ પુરી થતી હોય છે ત્યારે બે મહિના મુદત વધતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. જાેકે, બીજી બાજુ હવે પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટ મોડી લેવાશે.