અમદાવાદ-

અમદાવાદમાં છેલ્લા ૩ દિવસથી કોરોના વાઇરસ નિયંત્રણ હેઠળ આવ્યો છે અને કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અત્યારસુધી ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૨.૨૦ લાખને પાર છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ ૧૦ લાખની વસતિએ સરેરાશ ૩૨૪૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. ગુજરાતમાંથી ૧૦ લાખની વસતિએ સરેરાશ સૌથી વધુ ૯૦૭૮ વ્યક્તિને કોરોના થયો છે, જ્યારે અમદાવાદમાં ૨૯૫ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. સમગ્ર દેશમાંથી સરેરાશ ૧૦ લાખની વસતિએ સૌથી ઓછી વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હોય તેમાં ગુજરાત પાંચમા સ્થાને છે. બિહારમાંથી ૨૦૦૪, ઉત્તરપ્રદેશમાંથી ૨૪૭૩, મધ્યપ્રદેશમાંથી ૨૬૨૬, ઝારખંડમાંથી ૨૯૫૩, જ્યારે ગુજરાતમાંથી ૩૨૪૦ સરેરાશ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકેલી છે.

ગુજરાતમાંથી સુરત જિલ્લામાં ૧૦ લાખની વસતિએ સરેરાશ ૯૦૭૮, અમદાવાદમાંથી ૭૨૬૦ જ્યારે વડોદરામાંથી ૫૮૬૩ વ્યક્તિને કોરોના થઇ ચૂક્યો છે. બીજી તરફ, આ પ્રમાણે ડાંગમાંથી સૌથી ઓછી ૬૦૮, છોટાઉદેપુરમાંથી ૭૫૨, જ્યારે વલસાડમાંથી ૭૬૭ વ્યક્તિને કોરોના થયો છે. ૧૦ લાખની વસતિએ સરેરાશ સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાંથી ગાંધીનગર ૫૪૯ સાથે મોખરે, વડોદરા-રાજકોટ ૪૯૨ સાથે બીજા, અમદાવાદ ૪૨૮ સાથે ત્રીજા સ્થાને છે. ૧૦ લાખની વસતિએ સૌથી ઓછા એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાંથી ૧૩ સાથે વલસાડ, ૧૯ સાથે તાપી અને ૨૦ સાથે બનાસકાંઠાનો સમાવેશ થાય છે.

સુરતમાંથી ૧૦ લાખની વસતિએ સરેરાશ સૌથી વધુ ૮૫૫૭ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે, જ્યારે અમદાવાદમાંથી ૬૫૩૬-વડોદરામાં ૫૩૦૯નો સમાવેશ થાય છે. ૧૦ લાખની વસતિએ અમદાવાદમાંથી સૌથી વધુ સરેરાશ ૨૯૫, સુરતમાંથી ૧૮૩, ગાંધીનગરમાંથી ૭૪નાં મૃત્યુ થયાં છે. આ પ્રમાણે નર્મદામાંથી સૌથી ઓછા ૧, છોટાઉદેપુરમાંથી ૨, જ્યારે દાહોદમાંથી ૩નાં મૃત્યુ થયેલાં છે. અમદાવાદમાંથી ૧૦ લાખની વસતિએ સરેરાશ ૨.૯૦ લાખ ટેસ્ટ થઇ ચૂક્યા છે, જે સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ છે. આ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી ઓછા ૫૦ હજાર, જૂનાગઢમાંથી ૫૫ હજારના ટેસ્ટ થયેલા છે.