અમદાવાદ-

'તાઉ'તે વાવાઝોડું ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઉના અને ભાવનગરમાં ટકરાયા પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. 'તાઉ'તે' વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે નવ ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાંથી સાત ઇંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 કલાકની વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં પણ સાત 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજયમાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 1000 ગામોમાં વીજપુરવઠો ઠપ થયો હતો.110 તાલુકામાં એક મિ.મીથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે 24 કલાક ભારે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે વાવાઝોડું ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.