અમદાવાદ-

હવે રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાવાના કારણે ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવાના કારણે રાત્રે તથા સવારે ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીની સાથે રજાઈ, સ્વેટર પણ બહાર આવવા લાગ્યા છે. આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આજે સવારે ૧૪ ડીગ્રી લઘુત્તમ તાપમાન સાથે વલસાડ સૌથી ઠંડું રહેશે તે પછી ગાંધીનગર ૧૪.૫ ડીગ્રી લઘુત્તમ તાપમાન સાથે બીજા નંબરે રહેશે. જ્યારે અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને ૧૭ ડીગ્રી રહેશે. શહેરમાં ધીમે ધીમે લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે તેની સાથે મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. આજે મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી રહેશે એટલે કે ગરમીનું પ્રમાણ ઘટશે.

આ સિવાય અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં લઘુત્તમ તાપમાન ૧૫.૪, રાજકોટમાં ૧૮.૮, સુરતમાં ૨૨.૮ રહેશે. શહેરના લઘુત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સિવાયના શહેરોમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છેે. ઠંડીનું પ્રમાણ વધવાની સાથે કોરોનાનો ખતરો પણ વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

વહેલી સવારે તથા રાત્રે ઠંડીનો અનુભવ અને બપોરના સમયે ગરમીનો અનુભવ થતાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આવામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. હજુ એક અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતો રહેશે અને પછી કાતિલ ઠંડીની શરુઆત થઈ શકે છે.જમ્મુ-કાશ્મીરમાં થતી હિમવર્ષા અને તે પછી ફૂંકાતા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી જતો હોય છે. આવામાં આગામી સમયમાં રાજ્યમાં વધારે ઠંડી અનુભવાશે.