અમદાવાદ-

ગત વર્ષ દરમિયાન કોરોના વાયરસે કેર વર્તાવ્યો હતો અને રાજ્યમાંથી જ ૨ લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. જાેકે, ગત વર્ષ દરમિયાન હૃદયરોગના ઈમરજન્સી કોલ્સમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. હૃદયરોગના હુમલા અંગે ૨૦૧૯માં ૬૩ હજાર ૯૧૬ જ્યારે ૨૦૨૦માં ૪૪ હજાર ૭૯૭ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. સામાન્ય રીતે શિયાળા દરમિયાન પણ હૃદયરોગના હુમલા અંગેના ઈમરજન્સી કોલ્સનું પ્રમાણ વધી જતું હોય છે. પરંતુ આ વખતે એકંદરે તેમાં પણ ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતોના મત પ્રમાણે કોરોનાનો ચેપ લાગવાના ડરને કારણે મોટાભાગના લોકોએ ગત વર્ષે નાની-મોટી શારિરીક સમસ્યામાં હોસ્પિટલોમાં દાખલ થવાનું ટાળ્યું છે. જેના કારણે ઈમરજન્સી કોલ્સમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. ઈએમઆરઆરઆઈ ૧૦૮ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હૃદય સંબધિત સમસ્યાઓ અંગે તેમને ૨૦૧૮માં ૫૩ હજાર ૭૦૦ જ્યારે ૨૦૧૯માં ૬૩ હજાર ૯૧૬ કોલ્સ આવ્યા હતા.

જેથી ૨૦૧૮ કરતાં ૨૦૧૯માં ઈમરજન્સી કોલ્સમાં ૧૯ ટકાનો વધારો થયો છે. ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં ઈમરજન્સી કોલ્સનું પ્રમાણ ૩૦ ટકા ઘટી ગયું છે. આ જ રીતે પેટમાં દુઃખાવા અંગે ૨૦૧૯માં ૧ લાખ ૪૫ હજાર ૯૨૫ અને ૨૦૨૦માં ૧ લાખ ૨ હજાર ૩૪૪ ઈમરજન્સી કોલ્સ આવ્યા છે. આમ, પેટમાં દુઃખાવાના ઈમરજન્સી કોલ્સમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦માં લોકડાઉનને લીધે વાહન અકસ્માતના ઈમરજન્સી કોલ્સ પણ ૨૧ ટકા સુધી ઘટયા છે. વાહન અકસ્માત અંગે વર્ષ ૨૦૧૯માં ૧ લાખ ૩૨ હજાર ૭૯૦ જ્યારે વર્ષ ૨૦૨૦માં ૧ લાખ ૪ હજાર ૬૮૨ કોલ્સ આવ્યા હતા. વાહન સિવાયના અકસ્માત અંગે ઈમરજન્સી કોલ્સ ૧૩ ટકા સુધી ઘટયા છે. ૨૦૧૯માં આ પ્રકારના ૨૫૧૨ જ્યારે ૨૦૨૦માં ૧૩૫૯ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.

શ્વાસને લગતી સમસ્યાના ૨૦૧૯માં ૨૫૧૨ અને ૨૦૨૦માં ૧૩૫૯ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. આમ, તેના ઈમરજન્સી કોલ્સમાં ૭ ટકાનો ઘટાડો થયો છે. જાેકે, કોરોનાને લીધે આર્થિક સંકડામણ જેવા પરિબળોને કારણે ઝેર પી જનારાના ઈમરજન્સી કોલ્સમાં વધારો થયો છે. ઝેર પી લીધું હોવાના ૨૦૧૯માં ૧૮ હજાર ૧૬૭ અને વર્ષ ૨૦૨૦માં ૨૦૭૨૩ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. આમ, તેના ઈમરજન્સી કોલ્સમાં ૧૪ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ડાયાબિટિસને લગતા ઈમરજન્સી કોલ્સમાં પણ સાધારણ વધારો થયો છે. ડાયાબિટિસની સમસ્યા અંગે ૨૦૧૯માં ૧૨ હજાર ૧૫ અને વર્ષ ૨૦૨૦માં ૧૨ હજાર ૪૨૭ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.