BCCIના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું કે VIVO સાથે અમારો કરાર 2022 સુધી છે, ત્યારબાદ જ સ્પોન્સરશિપ રિવ્યૂ કરવામા આવશે તેમણે કહ્યું- VIVO દ્વારા થતી કમાણીમાંથી બોર્ડ કેન્દ્ર સરકારને 42 ટકા ટેક્સ આપે છે, આ રીતે તેમાં દેશની મદદ છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ચાઇનીઝ કંપની લી નિંગ સાથે કરાર ખતમ કરવા માટે તૈયાર, ટોક્યો ગેમ્સ સુધી કરાર થયેલો છે 

ભારત-ચીન વિવાદ બાદ દેશમાં ચાઇનિઝ કંપનીઓનો બોયકોટ કરવાની માંગ ઉગ્ર બની ગઇ છે પરંતુ BCCI ચાઇનિઝ કંપની VIVO સાથે કરાર ખતમ કરવા માંગતુ નતી. બોર્ડને VIVO પાસેથી દર વર્ષે 440 કરોડ રૂપિયા મળે છે. આ સ્માર્ટફોન કંપની IPLની સ્પોન્સર પણ છે. BCCIના ટ્રેઝરર અરૂણ ધૂમલે ગૂરૂવારે કહ્યું કે VIVO સાથે અમારો કરાર 2022 સુધી છે. ત્યારબાદ સ્પોન્સરશિપ રિવ્યૂ કરવામા આવશે.

લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને (IOA) પણ ચાઇનિઝ કંપની લી નિંગ સાથે કરાર ખતમ કરવા તૈયારી દર્શાવી છે. IOAના મહાસચિવ રાજીવ મેહતાએ કહ્યું કે આ સમયે અમે દેશ સાથે ઉભા છીએ. એસોસિએશને આ કંપની સાથે મે 2018માં કરાર કર્યો હતો. કરાર અંતર્ગત આ કંપની ભારતીય એથલિટ્સને લગભગ 5થી 6 કરોડ રૂપિયાની સ્પોર્ટ્સ કિટ આપે છે. ધૂમલે કહ્યું કે VIVO સાથે સ્પોન્સરશિપ દ્વારા પૈસા ભારતમાં આવી રહ્યા છે, ત્યાં જતા નથી. ચીનની કંપની દ્વારા દેશનું હિત સાધવું અને ચીનની કંપનીના ફાયદાનુ ધ્યાન રાખવું, આ બન્ને બાબતો વચ્ચે મોટું અંતર છે.  

ધૂમલે કહ્યું કે ચીનની કંપનીઓ ભારતમાં તેમના પ્રોડક્ટ વેચીને જે પૈસા કમાય છે તેનો મોટો ભાગ બ્રાન્ડ પ્રમોશન માટે BCCIને મળે છે. બોર્ડ આ કમાણી પર કેન્દ્ર સરકારને 42 ટકા ટેક્સ આપે છે. આ રીતે આ કરાર ચીનના નહીં પરંતુ ભારતના ફાયદામાં છે. ટ્રેઝરરે કહ્યું કે જો ચીનના પૈસા ભારતીય ક્રિકેટને મદદ કરે છે તો તેમાં કોઇ સમસ્યા નથી. આપણે ચીન બહારની અથવા તો ભારતીય કંપનીઓ પાસેથી પણ સ્પોન્સરશિપના પૈસા મેળવી શકીએ છીએ. વિચારવાની વાત એ છે કે જ્યારે ચીનની કંપનીઓને તેમના પ્રોડક્ટ ભારતમાં વેચવાની મંજૂરી આપવામા આવી રહી છે તો તે પૈસા ભારતના અર્થતંત્રમાં પરત આવે તે જરૂરી છે.

બોર્ડના ટ્રેઝરરે કહ્યું કે હું વ્યક્તિગત રીતે ચીનના સામાન પર નિર્ભરતા ઓછી કરવાના પક્ષમાં છું પરંતુ જ્યાં સુધી ત્યાંની કંપનીઓને દેશમાં વેપાર કરવાની મંજૂરી છે ત્યારે જો કોઇ ચીનની કંપની IPL જેવી ભારતીય બ્રાન્ડમાં સ્પોન્સર કરે તો તેમાં કંઇ ખોટું નથી. ધૂમલે કહ્યું કે જો હું કોઇ ચીનની કંપનીને દેશમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપત તો સ્પષ્ટ રીતે તેમની મદદ થાત. ગુજરાત ક્રિકેટ એસોસિએશને મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું પણ તેનો કોન્ટ્રાક્ટ એક ભારતીય કંપની એલએન્ડટીને આપ્યો. દેશમાં હજારો કરોડ રૂપિયાની મદદથી ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામા આવી રહ્યું છે પણ તેમાંથી એક પણ કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને નથી આપવામા આવ્યો. ચીનની મોબાઇલ કંપની OPPOએ ગત વર્ષે સપ્ટેમ્બર સુધી ટીમ ઇન્ડિયાની સ્પોન્સરશિપ ખરીદી હતી. જોકે ત્યારબાદ બેંગલુરૂની એપ બેઝ્ડ એજ્યુકેશન કંપની બાયજૂ ભારતીય ટીમને સ્પોન્સર કરી રહી છે. BCCIએ બાયજૂ સાથે જે કરાર કર્યો છે તે 5 સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી લાગૂ રહેશે. માર્ચ 2017માં OPPOએ VIVOને પાછળ રાખીને 768 કરોડમાં 5 વર્ષ માટે ટીમ ઇન્ડિયાની જર્સીના રાઇટ્સ ખરીદ્યા હતા. આ કરાર પ્રમાણે ઓપ્પોને બાયલેટરલ સીરીઝની એક મેચમાં BCCIને 4.61 કરોડ રૂપિયા આપવાના હતા જ્યારે ICC ટુર્નામેન્ટની દરેક મેચ માટે 1.56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.