વડગામ : વડગામ તાલુકામાં છેલ્લાં કેટલાંય દિવસથી ભારે ઉકળાટ બાદ બુધવારે બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. તાલુકાના ગામડાઓમાં વરસાદના ઝાપટાં સાથે જલોતરા ગામમાં એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકોની હાલત કફોડી બની હતી. વડગામમાં સવારથી જ ભારે ઉકળાટ બાદ ગરમીથી લોકો તોબા પોકારી ઊઠયા હતા.બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.આકાશમાં કાળા વાદળો છવાઇ ગયા હતા. અચાનક મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.વડગામ, મેમદપુર,પેપોળ,રૂપાલ,નગાણા,પિલુચા સહીતના ગામડાઓમાં વરસાદનું જોરદાર ઝાપટું પડતા ગામડાઓ પાણી પાણી થઇ ગયા હતા.જયારે જલોતરા ગામમાં જાણે આભ ફાટયું હોય તેમ એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.ગામના તમામ રસ્તાઓમાં ઘુંટણસમા પાણી ભરાઇ ગયા હતા.જયારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.અચાનક વરસેલા વરસાદથી થોડીવાર માટે લોકોમાં દોડધામ મચી ગઇ હતી વરસાદના પરિણામે ભારે ગરમીથી લોકોમાં ટાઢક પ્રસરી હતી.વડગામમાં વરસેલા પાછોતરા વરસાદથી ખેતરોમાં ઊભા પાકને ફરી વ્યાપક નુકસાન થયું છે. વરસાદના પગલે ખેડૂતોને ખેતીમાંથી આવક મળવા ઉપર વરસાદે પાણી ફેરવી દીધું છે. જેથી ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે. જોકે, વરસાદથી વડગામમાં કોઇ જાનહાની થઇ ન હતી. ઉત્તર ગુજરાતમાં રહીરહીને વરસતા વરસાદથી ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પાકમાં થયેલા ભારે નુકસાન સામે સર્વે કરાવી તેની સામે વળતર આપવામાં આવે તેવી વ્યાપક માંગણી ઉઠી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છેતેની પર ખેડૂતોની મીટ મંડાઇ છે.