શ્રીનગર-

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના કશ્મીરમાં ત્રાસવાદી તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરનાર સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના એક સ્થળે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈબાના બે સ્થાનિક ત્રાસવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. યાવર અલ વાઘી (શોપિયાંનો રહેવાસી) અને અમિર અલ મીર (કુલગામનો વતની) નામના ત્રાસવાદીઓ એક ઘરમાં છુપાયા હતા. એમના પરિવારજનોએ અપીલ કર્યા બાદ બંને જણ સુરક્ષા દળોને શરણે આવી ગયા હતા.

કશ્મીર ઝોન પોલીસના જણાવ્યા મુજબ, કુલગામના તાંત્રીપુરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા જવાનોની સંયુક્ત ટૂકડી અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એ બંને ત્રાસવાદી સ્થાનિક રહેવાસી છે અને પાકિસ્તાનમાંથી સક્રિય લશ્કર-એ-તૈબા ત્રાસવાદી સંગઠનના સભ્યો છે. તેઓ એમના પરિવારજનોની અપીલને પગલે શરણે આવી ગયા હતા. સુરક્ષા જવાનોએ એમની પાસેથી વાંધાજનક દસ્તાવેજાે, બે પિસ્તોલ અને કારતૂસો જપ્ત કર્યા છે. આ વર્ષમાં કુલ 12 ત્રાસવાદીઓ શરણે આવ્યા છે, એમ કશ્મીરના ઈન્સ્પેક્ટર પોલીસ જનરલ વિજયકુમારે કહ્યું છે.