ભુજ-

રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણે નરાધમોને પોલીસ કે, પછી કાયદાનો કોઇ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ એક બળાત્કાર અને હત્યાની ઘટના કચ્છના ભચાઉ તાલુકામાં સામે આવી છે. નારાધમે સાત વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી દીધી હતી. બાળકી ઘરેથી ગુમ થઇ હોવા મામલે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેથી પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ લઈને બાળકીને શોધવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટનાના બીજા દિવસે બાળકીનો મૃતદેહ પાડોશના બંધ મકાનમાંથી મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો હતો કે, બાળકીની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ છે. આ સમગ્ર મામલે પોલીસે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધીને બાળકીના ગામના જ વિજય કોલી નામના ઇસમની ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામમાં સાત વર્ષની બાળકી ઘરેથી ગુમ થઈ હતી. બાળકી ગુમ થઇ હોવાથી પરિવારના સભ્યો દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ બાળકી ન મળી આવતાં પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરીને આ બાબતે માહિતી આપી હતી. આ મેસેજ પોલીસને મળતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજને ધ્યાનમાં લઈને તે લાખાપર ગામમાં બાળકી ગુમ થઈ હતી તેના માતા-પિતાને મળ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ અને બાળકીના પરિવારજનોએ બાળકીની શોધખોળ આખી રાત કરી હતી પરંતુ બાળકી કોઈ પણ જગ્યાએ મળી નહોતી. જેના કારણે પોલીસે વહેલી સવારે બાળકી ગુમ થઈ હોવા બાબતેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.