મહુધા : ખેડા જિલ્લામાં ભાજપના વળતાં પાણી થઈ રહ્યાં હોય તેવો ઘાટ સર્જાયો છે. એક સમયે પાલિકામાં માત્ર છ કે સાત સભ્યો હોવા છતાં મહુધા પાલિકામાં સત્તા ભાજપની જ આવતી હતી. પાલિકામાં કોંગ્રેસના માત્ર સાત સભ્યો હોવા છતાં  પ્રથમ વખત ઐતિહાસિક જીત મેળવી ભાજપને ઊલટી ગણતરીમાં કપરાં દિવસોના એંધાણ આપી દીધાં છે. 

મહુધા વિધાનસભામાં ૧૯૮૯થી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતાં મહુધાના કોંગી અગ્રણીએ ક્યારેય ભાજપને વિધાનસભામાં હાવિ થવા દીધું નથી ત્યારે મહુધાની પ્રથમ વખત બનેલી બીજી ટર્મ માટે કોંગ્રેસે ભાજપને ઉખાડી ફેંકી દીધી છે. મહુધા પાલિકામાં લગભગ અગાઉના વષોમાં ધારાસભ્ય અને કોંગી આગેવાનો રસ લેતાં ન હતાં, પરંતુ ગઈ વખતે પ્રથમ વખત મેન્ડેટ આધારે પક્ષના નિશાન  ઉપર ચૂંટણી લડવાનું શરૂ કરતાં મહુધામાં ભાજપ ઘૂંટણિયે બેસી ગઈ છે. મહુધા પાલિકામાં ભાજપના કુલ ૯ સદસ્ય ચૂંટાયેલા છે, જ્યારે કોંગ્રેસના સાત સભ્યો ચૂંટાયેલા છે. અપક્ષો આઠ જીતીને આવ્યા હતાં. કુલ ચોવીસ સભ્યો ધરાવતી પાલિકામાં આગાઉની પ્રથમ ટર્મ માટે ભાજપના મહેશભાઈ પટેલ પ્રમુખપદ મેળવવામાં અપક્ષોનો ટેકો મેળવી સત્તા પર બિરાજ્યાં હતાં. બીજી ટર્મ કોંગ્રેસ દ્વારા આંચકી લેવામાં આવી છે.

મહુધા નગર પાલિકામાં આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર ૧૩ મતો મેળવી વિજેતા થયાં છે, જ્યારે ભાજપનાં મહિલા ઉમેદવારને ૧૦ મત મળ્યાં હતાં. એક સભ્ય ગેરહાજર રહ્યાં હતાં. મહુધા વિધાનસભામાં પ્રથમ વખત ચૂંટાઈ આવેલાં ધારાસભ્ય ઇંદ્રજીતસિંહ ઠાકોરે મહુધા તાલુકા પંચાયત અને વિધાનસભા સાથે હવે પાલિકા ઉપર કબજાે કરી લીધો છે.