દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કહ્યું કે, ભારતના લોકોને એક ખુશખબરી આપવા માંગું છું. દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત આવી રહી છે જે કાશીથી ચોરી કરવામાં આવી હતી. પીએમ મોદીએ તેના માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મન કી બાતમાં કૃષિ કાયદા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કૃષિ સુધારોથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ રહી છે. પાકની ખરીદીના ત્રણ દિવસ બાદ જ ખેડૂતોને ચૂકવણી થઈ જાય છે. સંસદે કૃષિ કાયદાને સ્વરૂપ આપ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ખેડૂત જિતેન્દ્ર ભોઇજીએ નવા કૃષિ કાયદાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે આપને પણ જાણવું જોઈએ. હવે જ્યારે આ કાયદાની તાકાત આપણા ખેડૂતો પાસે છે તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેઓએ ફરિયાદ કરી અને થોડાક જ દિવસમાં તેમની બાકી રકમની ચૂકવણી કરી દેવામાં આવી. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે, આજે દેશ અનેક મ્યૂઝિયમ અને લાઇબ્રેરીના કલેક્શનને ડિજિટલ બનાવવાનું કામ કરી રહ્યું છે. દિલ્હીના અમારા સંગ્રહાલયે આ સંબંધમાં પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યા છે. નેશનલ મ્યૂઝિયમ દ્વારા લગભગ દસ વર્ચ્યૂઅલ ગેલેરી ઇન્ડ્રોડ્યૂસ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.