અમદાવાદ-

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારે ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ઉપરાંત તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં આગામી 48 કલાકમાં ઠંડી વધી શકે છે.

શુક્રવારે મધ્યપ્રદેશમાં ઇન્દોર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અહીં લઘુતમ તાપમાન 19.4 ડીગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારે સવારે વરસાદ પડ્યો હતો. દિવસના તાપમાનમાં 6.6 ડીગ્રીનો ઘટાડો થયો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે સવારે વરસાદ પડ્યો હતો. સમગ્ર શહેરમાં પણ ધુમ્મસ છવાયું છે. સાથે જ હિમાચલમાં બરફવર્ષાને કારણે પંજાબમાં હવામાનમાં પલટો આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે લુધિયાણા, અમૃતસર, જલંધર સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. સ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યૂલેશનનાં કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળી રહી છે. ગઈકાલે કમોસમી વરસાદ અને આજે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે. આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે.