અરવલ્લી,તા.૩૦ 

વિશ્વમાં કોરોના કહેરના કારણે ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં સોસીયલ ડિસ્ટન્ટ રાખીને લેવામાં આવતા ખેડૂતોને અગાઉથી જાણકારી મળે ત્યારે જ ઘઉં વેચવા માટે આવવું પડતું હોય છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે સરકારી પુરવઠા ખાતાના ગોડાઉનમાં ખેડૂતો ટેકાના ભાવે વહેલી સવારથી કતારોમાં લાગતા ટેક્ટરો તેમજ અન્ય વાહનો લઈને આવેલા ત્યાં એકાએક વાવાઝોડા સાથે એકથી દોઢ ઇંચ વરસાદ ત્રાટકતા ખેડૂતોના ઘઉં ટ્રેક્ટરોમાં પલળી જતા ખેડૂતો બેહાલ બની ગયા એક તરફ કોરોના મહામારીનો ભય અને દિનપ્રતિદિન વધતા જતા પેટ્રોલ -ડીઝલના ભાવવધારાના કારણે અસહ્ય મોંઘવારીનો માર ત્યાં સીઝન પૂર્ણ થઈ હોવા છતાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કેન્દ્રોની લાલીયાવાડીમાં કિસાનોના ઘઉં પલળી જતા પડતા પર પાટુંનો માર સહન કરી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની દશા બેઠી ગઈ છે. મોંઘાદાટ ખાતર, બિયારણો અને તીડ તેમજ ભૂંડ, રોઝની કનડગત વચ્ચે મહામહેનતે પકવેલા ઘઉં પલળી જતા લમણે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.