મહેસાણા,તા.૧૯ 

મહેસાણાના ટીબી રોડ પર આવેલી સ્નેહકુંજ સોસાયટીમાં પોઝિટિવ દર્દી સહિત કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ૪૦ મકાનોના ઝાંપે પોલીસે તાળાં મારી દેવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકો બહાર ફરતા હોવાની વારંવાર થતી ફરિયાદો અને છેલ્લા ૩ દિવસથી આ મુદ્દે ચાલતા આંતરિક ઘર્ષણથી કંટાળી પોલીસે શનિવારે ૪૦ મકાનોના ઝાંપે તાળાં મારી દેતાં હંગામો મચ્યો હતો.જિલ્લા કલેકટર, એસપીને રજૂઆત કરી હતી.શહેરની સ્નેહકુંજ સોસાયટીમાં ૭ દિવસ અગાઉ પોઝિટિવ કેસ આવતાં ૧૬ મકાનોને કન્ટેન્ટમેન્ટમાં મૂકી સોસાયટીના ઝાંપે પોલીસની સાથે એસઆરપી તૈનાત કરાઇ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકો બહાર ફરતા હોવાની તંત્રમાં થતી વારંવાર રજૂઆત અને ૧૫ દિવસ અગાઉ આજ સોસાયટીમાં આવેલા પોઝિટિવ દર્દીની આસપાસના મકાનોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ના મુકવા બાબતે આંતરિક વિવાદ લાંબો ચાલતાં એસપી અને કલેકટરે પણ આ વિસ્તારમાં પહોંચી ચકાસણી કરી હતી. શનિવારે આ મુદ્દે ઉઠેલા વિવાદથી કંટાળી પોલીસે અહીં આવેલા પોઝિટિવ કેસની સાથે સાજા થઇને આવેલા દર્દીની આસપાસના ૪૦ જેટલા મકાનોનાં ઝાંપે તાળાં મારી ચાવી સાથે લઇ જતાં હંગામો મચ્યો હતો. આ અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે કન્ટેન્ટમેન્ટનો અમલ થતો ન હોઇ કાર્યવાહી થઈ હોઈ શકે. લોકો કમ્પાઉન્ડમાં તો ફરી શકે ઘરની બહાર ના જઇ શકે. તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે, ત્યારે તમામની ફરજ છે કે સંક્રમણ અટકાવીએ. સોસાયટીમાં રહેતા જયંતી નાયકે જણાવ્યું કે, મારા સગાને ત્યાં મૃત્યુ થયેલું હોઇ આજે મળવા ગયો હતો.જ્યારે ઘરે આવ્યો ત્યારે મારા ઘરના ઝાંપે તાળું મારેલું જોઇ ચોંકી ગયો હતો. ચાવી પોલીસ પાસે હોઇ અન્ય મકાનના ધાબા પરથી કૂદીને મારે મારા મકાનમાં જવું પડશે. તિરૂપતી ગ્રીન બંગ્લોઝમાં રહેતા પ્રકાશ પટેલે કહ્યું કે,મારી પત્ની કોરોના વોરિયર્સ છે. દર્દીની સારવાર કરતાં તે પોઝિટિવ દર્દી બની છે અને તે દવાખાનામાં સારવાર લઇ રહી છે. હાલ ઘરમાં મારી વિકલાંગ દીકરી સાથે છું, ત્યારે પીએસઆઇ જાદવ મારી પાસેથી માગેલું તાળું મારા જ મકાનના ઝાંપે મારીને ગયા છે. અમે અમારી જવાબદારી સમજીએ છીએ, કોઇની સ્વતંત્રતા પર તરાપ ના મારી શકાય.