મહેસાણા : સામાજીક કાર્યક્રમો કરવા માટે હંમેશા અગ્રેસર રહેલા પાટીદાર સમાજે ફરી એકવાર કોરોનાવાયરસના સમયમાં સમાજમાં કોઈને મુશ્કેલી ન પડે તે માટે એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોનાના સમયમાં અનેક પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા-વિસનગર પાટીદાર સમાજે પરિવારને લગ્નનો ખર્ચનો બોજો ન પડે તે માટે માત્ર ૧ રૂપિયામાં લગ્ન કરી આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે ૭૦૦ પાટીદાર સમાજ દ્વારા કોરોના વાયરસની મહામારી સમયે સમાજના પરિવારો પર લગ્નેતર પ્રસંગોના ખર્ચનો બોજો પડે નહીં માટે માત્ર ૧ રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યા છે.એ પ્રસંગમાં સરકારની કોરોના વાયરસની ગાઈડ લાઈનનું પાલન કરતા માસ્ક અને સેનેટાઇઝર સાથે જ સોસીયલ ડિસ્ટનસનું પાલન કરતા આયોજકોએ આયોજન કરી અનેક પરિવારનો આર્થિક ખર્ચ બચી જાય માટેનો પ્રયાસ કર્યો છે. માત્ર ૧ રૂપિયા ટોકનમાં લગ્ન કરાવી આપવાના આ આયોજનમાં આયોજકો દ્વારા કેટલાક નિયમો જાહેર કરી લગ્ન કરાવવા માટે નોંધણી કરનાર વર અને કન્યા પક્ષે પોતાના કરે સત્કાર સમારંભ કે વરઘોડા સહિત કોઈ પણ પ્રકારના કાર્યક્રમો ન યોજવાની ટકોર કરવામાં આવી છે. જેથી ખોટા ખર્ચ બચી શકે અને કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવી શકાય ત્યારે આ પ્રકારના આયોજનને જોતા સમાજના અગ્રણીઓએ પણ આ કાર્યને પ્રેરણાદાયક ગણાવ્યું છે. સમગ્ર આયોજનમાં કોરોના સંક્રમણ અટકે અને સમાજના પરિવારો પર આર્થિક ભારણ ન પડે માટે સામાજિક આગેવાનોના સહકારથી ૭૦૦ પાટીદાર સમાજ દ્વારા અત્યાર સુધી ૧૮ ઇન્કવાયરી અને ૪ વરઘોડિયાઓની લગ્ન તારીખો નોંધવામાં આવી છે. જેમાં વર કન્યાની ઈચ્છા મુજબની તારીખે લગ્ન કરી આપવામાં આવનાર છે.