અરવલ્લી : નવનિયુક્ત ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી જિલ્લામાં પ્રોહિબિશનની સખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુનાનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે. મોડાસા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા અને પશુ તસ્કરીમાં બદનામ થયેલ ચાંદ ટેકરી વિસ્તારમાં એકલ દોકલ પોલીસ જીપમાં રેડ કરવી ઉચિત ન હોવાનું ખુદ પોલીસ તંત્ર માની રહ્યું છે ત્યારે અરવલ્લી એલસીબી પોલીસે ચાંદટેકરીના કુખ્યાત પશુચોર અને ઘરફોડ ચોરીના આરોપી આરીફ ખ્યાલી બુલાખી મુલતાનીને ઘરેથી ઉઠાવી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.અરવલ્લી ડીવાયએસપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલસીબી પીઆઇ આર. કે. પરમાર અને તેમની ટીમે ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર પશુ ચોરી અને ઘરફોડ ચોરી કરતી ગેંગનો મુખિયા અને પશુઓને ગણતરીના સેકન્ડમાં ઉઠાવી વાહનમાં નાખી દેતા આરીફ ખ્યાલી બુલાખી મુલતાની ઘરે હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે ચાંદટેકરી વિસ્તારમાં રેડ કરી આરીફ ખ્યાલી મુલતાનીના ઘરને કોર્ડન કરી ઉંઘતો ઝડપી લીધો હતો. કુખ્યાત પશુચોર આરીફ ખ્યાલી મુલતાની સામે ઉત્તર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૧ પશુ ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.