હિંમતનગર : રાજય એસટી નિગમ સંચાલિત હિંમતનગર ડિવીઝનના તાબામાં આવતા ૯ ડેપોમાં કામ કરતા કર્મચારીઓની આરોગ્ય તપાસણી કરતા ૨૫ કર્મચારીઓના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. દરમિયાન શનિવારે આરોગ્ય વિભાગના સહકારથી હિંમતનગર ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓની કરાયેલી આરોગ્ય તપાસણીમાં કોરોના પોઝિટિવના ૦૭ કેસ પ્રકાશમાં આવતા અન્ય કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઇ છે. એસટી નિગમ સંચાલિત બસોમાં રોજબરોજ અનેક મુસાફરો મુસાફરી કરે છે.જેના લીધે એસટીના કર્મચારીઓ તેમના સંપર્કમાં આવે છે. દરમિયાન અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીને લઇને એસટી નિગમ દ્વારા તેમના કર્મચારીઓની આરોગ્ય તપાસણી કરવાનો ર્નિણય લેવાયો હતો. જે અંતર્ગત બે દિવસમાં હિંમતનગર એસટી ડિવીઝન સંચાલિત ૯ ડેપોના મળી ૮૯૩ કર્મચારીઓની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં ૨૫ કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત કર્મચારીઓને હોમ કોરન્ટાઇન થવા માટે આદેશ કરાયા છે. હિંમતનગર એસટી ડિવીઝનના તાબામાં આવતા બાયડ, મોડાસા, ભિલોડા, હિંમતનગર, ઇડર, માણસા, વિજાપુર અને પ્રાંતિજ સહિત અન્ય એક ડેપોના મળી જે ૮૯૩ કર્મચારીઓની તપાસ બાદ વિસ્ફોટથી નિગમના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.