પાલનપુર-

બનાસકાંઠાના પાલનપુરમાં એક મકાનના બાંધકામ સમયે બાજુના મકાનની જૂની જર્જરિત થયેલી દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. દિવાલ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય લોકોને જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચેથી બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા સેજલપુરા ગામમાં એક મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઘટના સ્થળ નજીક બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. અને બાંધકામના કામ દરમિયાન નજીકમાં રહેલા કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવાના કારણે બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા મજૂરો અને તેમના બાળકો દીવાલના કાટમાળ નીચે દબાયા હતા.

કાટમાળ નીચે ૧૧ જેટલા લોકો દબાયા હોવાની માહિતી ગામ લોકોને મળતા તાત્કાલિક ગામના લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને દિવાલના કાટમાળ નીચેથી લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર આવ્યો હતો. ગામના લોકોએ દિવાલ નીચે દબાયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨ બાળકો અને ૧ મહિલાને ગંભીર ઈજા થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને અન્ય લોકોને ઇજાઓ થતા તેમની સારવાર હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે કે, દીવાલ ધરાશાયી થઇ છે તે કોન્ટ્રાક્ટરે બાંધકામ સાઇટ પર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ન કર્યો હોવાના કારણે થઈ છે કે, પછી આકસ્મિક રીતે આ ઘટના બનવા પામી છે. તો બીજી તરફ દિવાલના કાટમાળ નીચે હજુ વધુ લોકો દબાયેલા હોવાની આશંકાને લઇ તંત્ર દ્વારા જીસીબીની મદદથી દિવાલનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.