રાજકોટ-

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ થંભવાનું નામ નથી ત્યારે અમદાવાદ અને સુરત બાદ રાજકોટની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયું છે, જેને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના આરોગ્ય સચિવ પોતે શહેરની મુલાકાતે છે અને તેમણે અમદાવાદના તબીબોની ટીમને પણ શહેરની કોવિડ હોસ્પિટલોમાં ખડકી દીધી છે. ત્યારે રાજકોટમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પણ યોગ્ય સારવાર નહી મળવાની બૂમો પાડી રહ્યા છે. ત્યાં જ રાજકોટમાં વધુ એક કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.

રાજકોટમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેમા કોવિડ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં મકોડો નિકળ્યો છે. દર્દીને ભોજનમાં આપેલી રોટલીમાંથી મકોડો નીકળ્યો છે. આ મામલે દર્દીને પીરસાયેલા ભોજનનો વીડિયો સામે આવ્યો છે. આરોગ્ય સચિવ જ્યંતી રવિ રાજકોટથી પરત ફરતા જ દર્દી ને મરેલા મકોળાવાળું ભોજન પીરસાયું છે. હવે રાજકોટ કોવિડ હોસ્પિટલ રસોડાને લઈ મોટી-મોટી વાતો કરતા તંત્રની પોલ ખુલી ગઇ છે.

કોવિડ હોસ્પિટલમાં ભલે તંત્ર મીડિયાને એન્ટ્રી ન આપે પણ તેમની બેદરકારીઓ વારંવાર સામે આવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીને કેવું ભોજન પીરસાય છે એ આ વીડિયોમાં સાફ દેખાય છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ ડેશ બોર્ડથી વચ્ર્યુલ ટુર કરી હતી. જેમાં રાજકોડમાં સબ સહી સલામતનો દાવો કર્યો હતો. પરંતુ રાજકોટમાં લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, શહેરની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી જેના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે.