રાજકોટ-

નવરાત્રિનો ગઈકાલ શનિવારથી જ પ્રારંભ થઈ ગયો છે. પરંતુ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા આ વર્ષે અર્વાચીન અને પ્રાચીન ગરબીને મંજૂરી આપવામાં આવી નથી. સરકારની ગાઈડલાઈન પ્રમાણે લોકો એક કલાક જ કાર્યક્રમ યોજી શકે છે. ત્યારે રાજકોટમાં હનુમાન મઢી ચોક પાસે તિરૂપતિ સોસાયટીમાં એક પરિવારે પોતાના ઘરમાં જ માતાજીની સ્થાપના કરી હતી. બાદમાં ટ્રેડિશનલ ડ્રેસમાં પરિવારજનો સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમ્યા હતા. પરિવારના દરેક સભ્યોએ મોઢા પર માસ્ક બાંધી ગરબા કર્યા હતા. આમ પહેલા નોરતાની આ પરિવારે ઉજવણી કરી હતી. કોરોનાને કારણે લોકોએ પોતાના ઘર પાસે જ માતાજીના નવ સ્વરૂપની સ્થાપના કરી, આરતી અને ગરબા કરી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે.

સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર આવેલા ઇન્દ્રલોક બંગલોમાં સ્થાનિકોએ આસ્થાભેર જ્વારા વાવી ઘટ સ્થાપના કરી છે, માતાજીની મૂર્તિનું પણ સ્થાપન કર્યું છે, અને એક કલાક ગરબે પણ રમ્યા હતા. પરિવારના પારૂલબેને જણાવ્યું હતું કે, અમે આજે ઘરે માતાજીની સ્થાપના કરી ઘરે જ ગરબાનું આયોજન કર્યુ હતું. બહાર તો ગરબાના આયોજનની મનાઈ છે તો ઘરે જ ગરબાનું આયોજન કર્યુ છે. અમે પરિવારના સભ્યો જ ઘરે રમીએ છીએ. સરકારના નિયમો પ્રમાણે સેનિટાઈઝ, માસ્કની સુવિધા સાથે અમે ગરબે રમીએ છીએ. અમે લોકોએ અપીલ કરવા માગીએ છીએ કે, તમે લોકો ઘરે જ ગરબા મરી શકો છો. વ્યવસ્થિત રીતે સેનિટાઈઝ કરો, માસ્ક પહેરીને જ ઘરે ગરબા રમો. રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મહિલાઓએ ટીવીમાં ગરબા વગાડી ફ્લેટમાં ગરબા રમી હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બહાર તો જઈ શકતા નથી એટલે અમે એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓએ નક્કી કર્યુ કે આપણે ઘરમાં જ ગરબા રમીએ.

રાહુલ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે ઘરે જ માતાજીની સ્થાપના કરી ઘરે જ માતાજીના ગરબાનું આયોજન કર્યુ છે. ઘરે જ અમે પરિવારના સભ્યો સાથે ગરબે રમીએ છીએ. કોરોનાની મહામારીને કારણે અમે બહાર જવાનું ટાળી કૌટુંબિક ભાઈ-બહેનો અને ફઈબાના દિકરાઓએ ઘરે ગરબાનું આયોજન કર્યુ છે. લોકોને અમે અપીલ કરીએ છીએ કે બહાર જાવાનું ટાળો અને ઘરે જ ગરબાનું આયોજન કરી કોરોનાનું સંક્રમણ ટાળો.