રાજકોટ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને પડ્યું છે અને આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ બેઠકો પર ચૂંટણી લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ ૯ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અજીત લોખીલે આ યાદી જાહેર કરી છે.

અજીત લોખીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીના મોડલને ગુજરાતના લોકોની વચ્ચે લાવશે અને લોકો સ્વયં-ભૂ રીતે અમારી સાથે જાેડાશે અમે ભાજપ અને કોંગ્રેસ આ બન્ને પક્ષોને એક જ પક્ષ માનીએ છીએ અને અમારી પ્રાથમિક મુદ્દાઓને પ્રાધાન્ય આપવાની ફરજ છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મંત્રીએ જાહેર કરેલી યાદી અનુસાર રાજકોટના મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨માંથી રાજભા ઝાલાને મેદાને ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૮માંથી શિવલાલ પટેલને, વોર્ડ નંબર ૩માંથી દુર્ગેશભાઈ ધનકાણીને, વોર્ડ નંબર ૪માંથી રાહુલ ભુવાને, વોર્ડ નંબર ૭માંથી પરેશ શિંગાળાને, વોર્ડ નંબર ૧૪માંથી ભાવેશ પટેલને, વોર્ડ નંબર ૧૪માંથી રેખા ભંડેરીને અને વોર્ડ નંબર ૧૭માંથી રાકેશ સોરઠિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે.

આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત એ છે કે, સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલજી ૪ અને ૫ જાન્યુઆરીના રોજ રાજકોટની મુલાકાતે જશે. આ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટેની રણનીતિ બનાવશે અને આ બાબતે કોંગ્રેસ કમિટીના ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્રના પ્રભારી નગર બોર્ડિંગ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા થશે.