રાજકોટ, રાજકોટના વોર્ડ નં.૧૦માંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડીને હારી ગયેલા કોંગ્રેસના આગેવાન અભિષેક તાળા અને તેના ભાઈ રાજદીપ તાળાએ ગત લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં ભળેલા હર્ષિત જાનીને રૂપિયાની લેતી-દેતીના મામલે ફોન કરીને જે. કે. ચોકમાં બોલાવ્યો હતો. આરોપી અને હર્ષિત બાજુમાં જ આવેલા જ્યોતિનગર ચોકમાં પહોંચ્યા હતા. જ્યાં રૂપિયાની લેતી-દેતીના મુદ્દે મામલો વધુ ઉગ્ર બન્યો હતો આથી અભિષેક અથવા તો તેના ભાઈ રાજદીપે રિવોલ્વર જેવા હથિયારમાંથી હર્ષિતના પગ પાસે એક ફાયરિંગ કર્યું હતું જાે કે એક ચર્ચા મુજબ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું જાણવા મળે છે.હર્ષિત જાની પર ફાયરિંગ કર્યા બાદ તાળા બંધુઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ હર્ષિતે રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા યુનિવર્સિટી પોલીસમથક અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો જ્યોતિનગર ચોક દોડી ગયો હતો અને આખી ઘટના શું છે, તેમાં કોણે રૂપિયા ચુકવવાના છે અને કેટલા તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. કાલાવડ રોડ અને એસએનકે સ્કૂલની વચ્ચે આવેલા જ્યોતિનગર ચોકમાં કોંગ્રેસના આગેવાન અને તેના ભાઈએ ભાજપના કાર્યકર પર રૂપિયાની લેતી-દેતીના મામલે પગ પાસે ફાયરિંગ કરી બંને આરોપી નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ભાજપના સાંસદ રામ મોકરિયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ જ્યોતિનગર ચોક પહોંચ્યા હતા અને ઘટના અંગે જાણકારી મેળવી હતી.