રાજકોટ, રાજકોટમાં આજે માતા-પિતા માટે ધ્યાનમાં લેવા જેવો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ મોંઘીદાટ કારમાં સનરૂફ ખોલીને માથું બહાર કાઢી હવાની લહેરખી માણવાનો પ્રયત્ન કર્યો હતો. એ સમયગાળા દરમિયાન તેનું માથું નાળાના ગડર સાથે અથડાતાં એના પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. એ સમયે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ઘટના નિહાળી હતી અને પોતાની કાર ઊભી રાખી યુવતીને ૧૦૮ની સ્પીડે હોસ્પિટલે પહોંચાડી હતી.

આ અંગે યુવતીના પિતા કલ્પેશ પાબારીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે મારી દીકરીએ સનરૂફની બહાર મોઢું કાઢતાં નાળાના ગડર સાથે તેનું માથું ભટકાયું હતું. મેયર પ્રદીપ ડવનું ધ્યાન પડતાં તેઓ મારી દીકરીને સારવાર અર્થે લઈ ગયા હતા. અમે મેયરના આભારી છીએ કે તેમણે અમારી મદદ કરી. હું સર્વે માતા-પિતાને વિનંતી કરું છું કે ગાડી ચલાવતાં પહેલાં ધ્યાન રાખે, જેથી આવો બનાવ અન્ય કોઈ બાળક સાથે ન બને. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના ૧૦ઃ૩૦ વાગ્યે જ્યારે હું મારા ઘરે જઈ રહ્યો હતો એ સમય દરમિયાન ઈન્દ્રપ્રસ્થના નાળા પાસે પહોંચ્યો ત્યારે મારી બાજુમાંથી સફેદ કલરની એન્ડેવર કાર પસાર થઇ, જેમાં સનરૂફ ખોલી બે દીકરી ઊભી હતી. કદાચ એવું હશે કે ગાડીમાં બેસેલી આ બંને દીકરીના પપ્પાને ખ્યાલ નહીં હોય કે તેમની પુત્રીઓએ સનરૂફ ખોલ્યું છે. બન્યું એવું કે બન્ને સનરૂફ ખોલીને બહાર ઊભી હતી ત્યારે ગાડી ત્યાંથી નાળા પાસેથી પસાર થઈ અને ત્યાં આવેલા લોખંડના ગડર સાથે મોટી દીકરીનું માથું અથડાયું હતું. વોકહાર્ટમાં યુવતીને ઉત્તમ સારવાર મળી છે અને હાલ તેને ૬-૭ જેટલા ટાંકા આવ્યા છે. આપણે ઈશ્વરનો આભાર માનવો જાેઈએ યુવતીને આટલું જ વાગ્યું, આનાથી વધુ ઈજા ન પહોંચી, પણ અત્રે નોંધનીય છે કે માતા-પિતા ધ્યાન નથી.