રાજકોટ, ગત તા ૨૪ અને ૨૬નાં રોજ સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે સતત ધૂમ્મસ-ઝાકળવર્ષાનો માહોલ છવાયો છે. આજરોજ સવારે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સવારનાં ભાગે ઝાકળ વર્ષા થઇ હતી અને ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. દરમિયાન હવામાન કચેરીનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આવતીકાલ બપોરથી વાતાવરણ સ્વચ્છ બની જશે અને તા. ૨૯ને બુદવારથી ફરી ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સવારનું તાપમાન ૧૦ થી ૧૨ ડીગ્રી નોંધાશે. અને કચ્છમાં તાપમાન ફરી સિંગલ ડીઝીટમાં પહોંચી જશે. દરમ્યાન ગોંડલમાં સતત પાંચ દિવસથી ઝાક્ળવર્ષા થઇ રહી છે. નેશનલ હાઇવે ઉપર પણ ગાઢ ઝાકળ છવાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. વધારે ઝાકળના કારણે વીઝીબીલીટી ડાઉન થઇ છે, જેથી નાના મોટા વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે અને વાહનોની સ્પીડ પર બ્રેક લાગી ગઇ છે. વાહનોની લાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડે છે. ગોંડલમાં ઝાકળને લઇ છેલ્લા પાંચ દિવસથી લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થયો છે. આ ઉપરાંત જામનગર શહેરમા આજે ફરીથી મોસમે કરવટ બદલી હતી, અને સમગ્ર ધુમ્મસ ની આગોશ માં આવી ગયો જ્યારે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા.લઘુતમ તાપમાન આજે ૧૭ ડીગ્રી નોંધાયું હતું. જામનગર શહેરમાં ગઈકાલે મોડી સાંજથી જ ઝાકળ ભર્યુ વાતાવરણ બની ગયું હતું, અને પરોઢિયે રીતસર ઝાકળનો વરસાદ થયો હોય એટલુંજ માત્ર નહીં માર્ગો ઝાકળના વરસાદના કારણે ભીના થયા હોવાથી પણ વાહનચાલકોની મુશ્કેલી વધી હતી, જયારે સૂર્યનારાયણના દર્શન પણ ઝાકળ ભર્યા વાતાવરણમાં મોડા થયા હતા. જાેકે ઠંડીનો પારો ૧૭ ડિગ્રી આસપાસ રહ્યો હતો, જેથી ઠંડીમાં થોડી રાહત થઇ હતી. જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા થઇ જતાં ઝાકળ ભીની સવાર થઈ હતી. ઉપરાંત પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩ ૫ કિમીની ઝડપે રહી હતી. દરમ્યાન આજરોજ પણ સર્વત્ર ઠંડી સામાન્ય રહી હતી. રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી, અમદાવાદમાં ૧૪.૫, વડોદરામાં ૧૫, ભાવનગરમાં ૧૬.૪, ભુજમાં ૧૮, દમણમાં ૧૬.૬, ડીસામાં ૧૫.૨, દિવમાં ૧૬.૫ અને દ્વારકામાં ૨૧.૨, કંડલામાં ૧૭.૮, નલિયામાં ૧૫.૯, ઓખામાં ૨૧.૨, પોરબંદરમાં ૧૭, સુરતમાં ૧૮.૨ અને વેરાવળમાં પણ ૧૮.૨ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.