અમદાવાદ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠાર યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે ટાઢોડુ છવાઇ જાય છે. રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે. જયારે સવારે લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે. નલીયા ૭.૯ ડિગ્રી, કેશોદમાં ૧૦.૪, અમરેલી-રાજકોટમાં ૧૩.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે. બેઠા ઠારનો કહેર આજે પણ બરકરાર રહેતા જનજીવન પ્રભાવિત રહ્યું હતું. જો કે આગામી બે ત્રણ દિવસ સુધી પારો બે ત્રણ ડિગ્રી ઉંચે ચડે તેવા અણસાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજકોટમાં બે ડિગ્રી તાપમાન ઘટયું હોવા છતાં ટાઢોડુ છવાઇ રહ્યું હતું. દિવસભર ફૂંકાતા ઠંડા પવનથી જનજીવન ઠીંગરાઇ ગયું હતું. બેઠા ઠારના કારણે લોકો ઘરમાં કેદ થયા છે.સવાર - સાંજ રાજમાર્ગો ઉપર લોકોની પાણી હાજરી જોવા મળે. 

સૌરાષ્ટ્રના તાપમાનમાં પણ સામાન્ય ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. કેશોદ-અમરેલીમાં પારો ત્રણ ડિગ્રી સડસડાટ નીચે ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારના લોકો ઠંડીમાં ધ્રુજી ઉઠયા હતા. કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે. નલીયા પણ રાજયનું ઠંડુ શહેર બન્યુ હતું નલીયામાં આજે તાપમાનનો પારો ૭.૯ ડિગ્રીએ સ્થિર થઇ ગયો હતો કાંતિલ ઠંડીમાં લોકો ઠીંગરાયા હતા. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૮ કિ.મી.ની રહી હતી. હજુ લોકોને ઠંડીથી રાહત મળવાની શકયતા નથી સોમથી બુધવાર હાડ થીજાવતી ઠંડી પડવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.