સુરત-

સુરતના સીમાડામાં સાવકા પિતાએ ૧૬ વર્ષીય સગીરાને ડરાવી-ધમકાવી જાતીય શોષણ કર્યું હતું. ચાર વર્ષ પહેલાં બનેલી ઘટનામાં સમાધાન બાદ પણ સાવકો પિતા સુધર્યો ન હતો. લોકડાઉનમાં વતન ગયા ત્યાં સાવકી દીકરીનો ન્હાતો વીડિયો ઉતાર્યો હતો. આ મામલે સરથાણા પોલીસમાં ગુનો નોંધાયો છે. મળતી વિગતો પ્રમાણે સીમાડામાં શ્યામધામ ચોક ખાતે રહેતાં ૪૦ વર્ષીય યુવતી મૂળ અમરેલીના વતની છે. પહેલાં પતિ થકી તેમને ૧૬ વર્ષની પુત્રી છે. પહેલાં પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તેણે ગત ડિસેમ્બર ૨૦૧૮માં જગદીશ રાદડિયા (મૂળ ભાવનગર) સાથે બીજા લગ્ન કર્યા હતા.

ચાર વર્ષ પહેલાં તેઓ પાસોદરા ખાતે રહેતા હતા ત્યારે જગદીશ નવી મોપેડ પર આંટો મારવા જવાના બહાને સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને અડપલાં કર્યા હતા. માતાની ગેરહાજરીમાં સાવકો પિતા સગીરા સાથે અડપલાં કરતો હતો. દરમિયાન સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપતાં ભાંડો ફૂટ્યો હતો. જે બાદ દીકરીએ માતાને જાણ કરતાં ભારે હોબાળો થયો હતો. જાે કે જગદીશે માફી માગી સમાધાન કરી લીધું હતું.

પણ લોકડાઉન વખતે તેઓ વતન ગયા હતા. જ્યાં વતનમાં બાથરૂમમાં ન્હાતી સગીરાનો મોબાઈલમાં વીડિયો ઉતારતાં જગદીશ પકડાઈ ગયો હતો. ભાંડો ફૂટી ગયો તો જગદીશે ગાળાગાળી બાદ મારપીટ પણ કરી હતી. આખરે વતનથી સુરત આવ્યા બાદ પરિવારજનોને જગદીશની હરકતોથી વાકેફ કર્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.