દિલ્હી-

મ્યાંમારની લોકશાહી ધરાવતી સરકારને હટાવીને સત્તા પર કબજાે જમાવી બેઠેલી સેનાએ હવે લોકોના આક્રોશની કિંમત ચુકવવી પડી રહી છે. વિરોધના સૂર દબાવવા ગોળીઓનો સહારો લઈ રહેલી મ્યાંમાર આર્મી પોતાના લોકોના વિરોધનો જ સામનો કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે કાયા રાજ્યમાં સ્થાનિક વિદ્રોહીઓની કરેન્ની પીપલ્સ ડિફેન્સ ફોર્સ (પીડીએફ) સાથેના સંઘર્ષમાં મ્યાંમાર સેનાના ૪૦ સૈનિકોના મોત થયા છે અને અનેકને ઈજાઓ પહોંચી છે.

ગૃહયુદ્ધની આશંકાથી ડરેલા લોકોએ પલાયન પણ શરૂ કરી દીધું છે. પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે સંકળાયેલા વિદ્રોહીઓના અહેવાલ પ્રમાણે રવિવારે સવારે શાન-કાયા રાજ્યની સરહદે મો-બાય ખાતે તેમની સેના સાથે અથડામણ થઈ હતી. તેમાં મ્યાંમારની સેનાએ સામાન્ય લોકોના ઘરો પર ફાયરિંગ કરીને ૨ નાગરિકોને ઘાયલ કરી દીધા હતા અને અનેક ઘરોને નુકસાન પણ પહોંચાડ્યું હતું.
લાંબા સમય સુધી ચાલેલા ગોળીબાર બાદ વિદ્રોહીઓએ મો બાયના પોલીસ સ્ટેશનને કબજામાં લીધું હતું. આ અથડામણમાં મ્યાંમાર સેનાના ઓછામાં ઓછા ૧૫ સૈનિકો માર્યા ગયા હતા અને ૪ને વિદ્રોહીઓએ ઝડપી લીધા હતા. આ ગોળીબાર બાદ વિદ્રોહીઓએ પોલીસ સ્ટેશનને સળગાવી દીધું હતું. તેમાં વિદ્રોહી જૂથના એક સદસ્યનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ૫ને ઈજાઓ પહોંચી હતી.
એક સ્થાનિક વ્યક્તિના કહેવા પ્રમાણે મ્યાંમારની તાનાશાહ સેનાની સ્થાનિક નાગરિકો પ્રત્યેની ક્રૂરતા જાેયા બાદ તેમણે પોતાની રીતે એકઠા કરવામાં આવેલા હથિયારો વડે લડવાનો ર્નિણય લીધો છે. અનેક સ્થાનિક યુવાનોએ જણાવ્યું કે તેઓ વિરોધ કરવા મુદ્દે ધરપકડ થવા કે માર્યા જવાને બદલે વિદ્રોહ કરવાનું અને શહીદ થવાનું પસંદ કરશે. કાયા રાજ્યની ડેમોસો ટાઉનશિપમાં જ રવિવારે પણ લાંબા સમય સુધી અથડામણ ચાલુ રહી હતી. આ દરમિયાન લોઈકાવ-ડેમોસો હાઈવે પર મ્યાંમાર આર્મીના આશરે ૨૪ સૈનિકો માર્યા ગયા. અથડામણ દરમિયાન સ્થાનિક લોકોએ મ્યાંમાર આર્મીને રોકવા ઠેક-ઠેકાણે રસ્તા જામ કરી દીધા હતા જેથી સેનાએ બખ્તરબંધ ગાડીઓની મદદ વડે શહેરમાં પ્રવેશ મેળવ્યો હતો.