દિલ્હી-

કોરોના સંકટકાળમાં પણ ભારતે ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોરોના કટોકટીમાં એક બાજુ વિશ્વના દેશોમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) સતત ઘટી રહ્યુ હતુ ત્યારે ભારત સતત નવો વિદેશી મૂડીપ્રવાહ આકર્ષવામાં સફળ રહ્યુ છે. આમ કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ વર્ષ 2020નું વર્ષ FDIના મામલે ભારત માટે પ્રોત્સાહક રહ્યુ છે.

વર્ષ 2020 દરમિયાન ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં 13 ટકાની વૃદ્ધિ થઇ છે. પાછલા વર્ષે ડિજિટલ સેક્ટરમાં રોકાણકારોએ મોટા પ્રમાણમાં રૂચિ દર્શાવી છે. જ્યારે પાછલા વર્ષે કોરોના વાયરસની મહામારીન પગલે યુકે, અમેરિકા અને રશિયા જેવી મોખરાની અર્થવ્યવસ્થાઓમાં મૂડીરોકાણ નાટકીય રીતે ઝડપથી ઘટ્યુ છે. ભારત અને ચીનની સ્થિતિ આ મામલે ઉપરોક્ત મુખ્ય અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં સારી રહી છે. આ બાબત સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં સામે આવી છે. 

યુનાઇટેડ નેશન્સ કોંગ્રેસ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા જારી 'ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડર્સ મોનિટર' રિપોર્ટમાં જણાવાયુ છે કે વૈશ્વિક પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં વર્ષ 2020 દરમિયાન ભારે ભરખમ ઘટાડો નોંધાયો છે. અંદાજ મુજબ વર્ષ 2019ના 1.5 લાખ કરોડ ડોલરથી ઘટીને 859 અબજ ડોલર રહ્યુ છે. જે FDIના મૂડીપ્રવાહમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો વાર્ષિક ઘટાડો છે. તેની પૂર્વે વર્ષ 1990માં FDI ઇનફ્લોમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો. તો વર્ષ 2008-09ની વૈશ્વિક આર્થિક મંદીના સમયે પણ FDI મૂડીરોકાણ 30 ટકાથી વધુ ઘટ્યો હતો. FDI મૂડીરોકાણમાં ઘટાડો વિકસીત દેશોમાં ઘટાડો છે જ્યારે મૂડીરોકાણ 69 ટકા ઘટીને લગભગ 229 અબજ ડોલરે આવી ગયુ છે. 

કોરોના વાયરસની મહામારી દરમિયાન ડિજિટલ સેક્ટરમાં જંગી મૂડીરોકાણને પગલે ભારતમાં FDIનો મૂડીપ્રવાહ પાછલા વર્ષ 2020માં 13 ટકા વધ્યો છે. ભારતમાં વર્ષ 2020 દરમિયાન કુલ 57 અબજ ડોલરનું FDI મૂડીરોકાણ આવ્યુ છે. રિપોર્ટ મુજબ વર્ષ 2020માં દુનિયામાં સૌથી વધારે FDI મૂડીરોકાણ ચીનમાં આવ્યુ છે અને તે લગભગ 4 ટકા વધીને 163 અબજ ડોલર જેટલુ નોંધાયુ છે.