વડોદરા, તા.૨૪

વડોદરામાં દિવાળીપુરા ખાતે બનેલ નવા કોર્ટ સંકુલમાં અદાલતોના સ્થળાંતર બાદ ખાલી પડેલ ઐતિહાસિક ન્યાયમંદિર અને લાલકોર્ટને સીટી હેરિટેજ મ્યુઝિયમ તરીકે વિકસાવવા કોર્પોરેશનને સુપરત કરવા માગણી કરાઈ હતી. આ સંદર્ભે શહેરીજનો દ્વારા આંદોલનો પણ કરાયા હતા. ત્યારે મહેસૂલ અને કાયદામંત્રી બન્યા બાદ વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ સતત પ્રયાસો હાથ ધરતાં આજે ન્યાયમંદિર અને લાલકોર્ટને વડોદરા કોર્પોરેશનને સુપરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરા શહેરની મધ્યમાં આવેલ ભવ્ય અને ઐતિહાસિક ઈમારત જે સર સયાજીરાવ ગાયકવાડના સમયથી ન્યાયમંદિર તરીકે ઓળખાય છે. ગાયકવાડી રાજમાં સ્ટેટ કોર્ટ તરીકે તેમાં કોર્ટ ચાલતી હતી. દેશની આઝાદી પછી ન્યાયમંદિર અને લાલકોર્ટ તરીકે ઓળખાતી અદાલતમાં અનેક કોર્ટ ચાલતી હતી પરંતુ નવી કોર્ટ સંકુલ દિવાળીપુરા ખાતે બાંધવામાં આવ્યા બાદ ખાલી પડેલી આ ઐતિહાસિક ઈમારતમાં સીટી હેરિટેજ મ્યુઝિયમ બનાવવા માટે કોર્પોરેશને આયોજન કર્યું હતું અને આ ઐતિહાસિક બિલ્ડિંગ કોર્પોેરેશનને સુપરત કરવા માગણી રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી.પરંતુ આ અંગે કોઈ નિર્ણય નહીં થતાં વડોદરાના કેટલાક નગરજનોએ ઉપયોગ વિના પડી રહેલ આ ઐતિહાસિક ઈમારતને લઈને આંદોલન પણ કર્યા હતા. આખરે વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ અને કાયદામંત્રીનો પદભાર સંભાળતાં તેમણે જ્યાં ૪૪ વર્ષ વકીલાત કરી છે અને તેઓ આ ઐતિહાસિક ઈમારત સાથે વરસોથી સંકળાયેલા છે. ત્યારે આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અને વડોદરાના જ કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ વિભાગમાં આદેશ કરતાં તેમજ લાલકોર્ટની બિલ્ડિંગમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ બેસતા હોઈ ત્રિવેદીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સંમતિથી ખાલી કરાવવા હુકમ કરાવેલ. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગ પાસે આ બાબતે હકારાત્મક નિર્ણય લેવા અને શહેરનું નજરાણું એવી આ ભવ્ય ઈમારત પાલિકાને સોંપવા માટે આખું પ્રકરણ ચલાવ્યું હતું. જેમાં ર ફેબ્રઆરીના રોજ સીટી હેરિટેજ મ્યુઝિયમ ન્યાયમંદિરની ઈમારતમાં અને લાલકોર્ટ વાળી ઈમારતમાં આર્ટ ગેલેરી બનાવવા અને તેના વહીવટ અને તમામ નિભાવણી માટે પાલિકાને સુપરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને વિધિવત્‌ રીતે આ બંને શહેર મધ્યેની ભવ્ય ઈમારત હવે અતિભવ્ય કાર્યક્રમ યોજીને તેનું ટૂંકસમયમાં લોકાર્પણ કરી પાલિકાને સુપરત કરવામાં આવશે એવું રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

આ શહેરનું મારા ૫ર ખૂબ ઋણ છે જે એ ઉતારવા પ્રયત્ન કર્યા ઃ ત્રિવેદી

વડોદરામાં જન્મ્યો છું અને આ ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિરમાં ૪૪ વર્ષ વકીલાતની પ્રેક્ટિસ કરી છે. જાેગાનુજાેગ હું મહેસૂલ અને કાયદામંત્રી પણ છું. ત્યારે વડોદરાનું ઋત અદા કરવું એ મારી ફરજ અને ધર્મ છે. આ ઐતિહાસિક ઈમારત ન્યાયમંદીર અને લાલકોર્ટ ટૂંકસમયમાં ભવ્ય કાર્યક્રમ યોજીને આર્ટ ગેલેરી અને સીટી હેરિટેજ મ્યુઝિયમ બનાવવા માટે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને સુપરત કરાશે તેમ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. એમણે ઉમેર્યું હતું કે, હું મારી કર્મભૂમિ માટે કંઈક કરી શક્યો એનો મને આનંદ છે.