જમીની સ્તરે ખેલ પ્રતિભા શોધવા અને પૂર્વ ચેમ્પિયન ખેલાડીઓનું આવકનું સ્રોત નિશ્ચિત કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ચાર વર્ષમાં એક હજાર ‘ખેલો ઈન્ડિયા સેન્ટર’ બનાવવા જઈ રહ્યું છે. પ્રથમ વર્ષે 100 જિલ્લામાં સેન્ટર બનાવવાની યોજના છે. ત્યાર પછી દર વર્ષે 300 સેન્ટર ખોલાશે. આ સેન્ટરનું સંચાલન પૂર્વ ચેમ્પિયન ખેલાડી કે એનઆઈએસ કોચ કરશે.

તેઓ પોતાના જિલ્લામાં એક સેન્ટરનો પ્રસ્તાવ મોકલી શકે છે. આ યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત SAIએ સેન્ટર પસંદ કરવા માટે રાજ્યો પાસેથી પ્રસ્તાવ મગાવ્યા છે. પછી ખેલ વિભાગ અધિકારી એ પ્રસ્તાવોમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરીને SAIના ક્ષેત્રીય કાર્યાલયને મોકલશે. ત્યાં SAIની ટીમ દેશભરનાં સેન્ટરી પસંદગી કરશે. SAI પૂર્વ ચેમ્પિયન ખેલાડી કે કોચને રૂ.10 લાખ આપશે.

જેમાં રૂ.5 લાખ એકસાથે સેન્ટર ખોલવા અપાશે, જ્યારે બાકીના 5 લાખ આગામી ચાર વર્ષમાં અપાશે. જેમાંથી ખેલાડી/કોચ પોતાના સેન્ટરમાં જરૂર પડતાં રૂ.3 લાખના પગાર પર આસિસટન્ટ કોચની નિમણૂક કરી શકે છે. બાકીના રૂ.2 લાખની રકમ સેન્ટરની જાળવણી, રમત-ગમતનાં ઉપકરણ, રમત અને કિટ માટે ખર્ચ કરી શકાશે. સેન્ટરના સંચાલ નવા ખેલાડીઓ પાસેથી લઘુત્તમ ફી પણ લઈ શકે છે. ચાર વર્ષ પછી પૂર્વ ચેમ્પિયન ખેલાડીઓની ઓળખ સ્થાપિત ટ્રેઈનર તરીકે થઈ શકે.

આથી તેઓ પોતાનાં સંસાધનોથી કેન્દ્રનું સંચાલન ચાલુ રાખી શકશે. પૂર્વ ખેલાડી વિકાસખંડ અને જિલ્લા સ્તરે સરકારી કે બિનસરકારી સ્કૂલ, કોલેજ, સંસ્થા અને અન્ય રમત-ગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે. એક સેન્ટરમાં માત્ર એક જ રમતની ટ્રેનિંગ આપી શકાશે. માત્ર એવી સંસ્થા જ 3 રમતનો પ્રસ્તાવ મોકલી શકે જે છેલ્લા 5 વર્ષથી રમત-ગમતના ક્ષેત્રમાં કામ કરતી હોય. જે ઓલિમ્પિકમાં રમાય છે. જેમાં તીરંદાજી, એથલેટિક્સ, બોક્સિંગ, બેડમિન્ટન, SAIકલિંગ, ફેસિંગ, હોકી, જૂડો, રોઈંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલટેનિસ, વેઈટલિફ્ટિંગ, કુશ્તી અને ફુટબોલનો સમાવેશ થાય છે. પૂર્વ ચેમ્પિયનોની ઓળખ સ્થાપિત કરવા માટે એક વ્યવસ્થા તૈયાર કરાઈ છે, જેથી તેઓ ખુદની એકેડમી ખોલીને તેનું સંચાલન કે કોચ તરીકે કામ કરી શકે. પ્રથમ પ્રથમિક્તા એ ખેલાડીને અપાશે ,જેમણે માન્યતાપ્રાપ્ત ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં નેશનલ ફેડરેશન તરફથી ભાગ લીધો હશે.

આ ઉપરાંત સીનિયર નેશનલ ચેમ્પિયનશિપ કે ખેલો ઈન્ડિયાના મેડલિસ્ટ પણ એકેડમી ખોલવા માટે અરજી કરી શકે છે. નેશનલ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના મેડલિસ્ટને ત્રીજા વર્ગમાં રખાયા છે. સીનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને ચોથા વર્ગમાં રખાયા છે. તેઓ પણ સેન્ટર ખોલવાને પાત્ર છે.