વડોદરા : રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન આપવામાં આવે છે. ચાલુ વર્ષે આર.ટી.ઈ અંતર્ગત પ્રવેશ મેળવવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ૧૧ સપ્ટેમ્બરથી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ શરુ થયો હતો. પ્રથમ રાઉન્ડમાં શહેરની કુલ ૨૧૧ શાળાઓમાં ૩૧૧૭ વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી શાળાઓએ ૨૬૨૪ વિદ્યાર્થીઓને એડમિશન ફાળવી દીધા છે. જ્યારે, બાકી રહેલા ૪૯૩ વિદ્યાર્થીઓના વાલીઓને શાળાઓએ ફોન કરીને એડમિશન મેળવવાની જાણ કરવાની રહેશે. 

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ્‌સ એકઠા કરવા માટે વાલીઓને ૭થી ૧૮ ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારબાદ ૧૯થી ૨૯ ઑગષ્ટ દરમ્યાન ઓનલાઇન ફોર્મ ભરવા માટે વાલીઓને સમય આપવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન ભરવામાં આવેલા ફોર્મની ૩૧ ઑગષ્ટથી ૭ સપ્ટેમ્બર સુધી જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવી હતી. જ્યારબાદ ૧૧ સપ્ટેમ્બરથી આર.ટી.ઈ અંતર્ગત એડમિશન માટેનો પ્રથમ રાઉન્ડ ચાલુ થયો હતો. પ્રથમ રાઉન્ડમાં વડોદરા શહેરની ૨૧૧ ખાનગી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના કુલ ૩૧૧૭ વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી આ શાળાઓ દ્વારા એક સપ્તાહમાં ૨૬૨૪ વિદ્યાર્થીઓને એડમિશન ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે, બાકી રહેલા ૪૯૩ વિદ્યાર્થીઓને ડી.ઈ.ઓ કચેરી તરફથી ફાળવવામાં આવેલ તમામ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને એડમિટ કાર્ડ અને તમામ જરૂરી પુરાવાઓ લઈને શાળાએ આવવા માટે જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.