ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્રની માંગણીઓ અંગેની ચર્ચાઓ પૂર્ણ થઇ ગઈ છે, ત્યારે આવતીકાલે બે બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠકમાં આઠ જેટલા મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી અને અગાઉની બેઠકમાં બાકી રહેલા સરકારી વિધેયકો અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે અંદાજપત્ર (બજેટ )ની માંગણીઓ પરની ચર્ચાઓ પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે હવે આગામી બે દિવસોમાં ચાર જેટલી બેઠકો મળનાર છે. આ ચાર બેઠકોમાં સરકારી વિધેયકોને રજૂ કરવામાં આવશે. જેમાં છેલ્લી બે બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદ જેવા મહત્વપૂર્ણ વિધેયકને ગૃહમાં રજૂ કરવામાં આવશે.  ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંતર્ગત આવતીકાલે બે બેઠક મળશે. જેમાં સવારે ૧૦ કલાકે મળનારી પ્રથમ બેઠકમાં આઠ જેટલા સરકારી વિધેયકોને રજૂ કરવામાં આવશે.આ પ્રથમ બેઠકમાં સરકાર દ્વારા જુદા જુદા આઠ સરકારી વિધેયકોને ગૃહમાં રજૂ કરવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સન-૨૦૨૧નું ગુજરાત વિનિયોગ વિધેયક, સન ૨૦૨૧નું ગુજરાત વિનિયોગ (વધારાના ખર્ચ) વિધેયક, સન ૨૦૨૧નું ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા (સુધારા) વિધેયકને રજૂ કરાશે. ત્યાર બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સન ૨૦૨૧નું ફોજદારી કાર્યરીતિ (ગુજરાત સુધારા) વિધેયકને રજૂ કરાશે.  જયારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સન ૨૦૨૧ નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક અને સન ૨૦૨૧નું ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સન ૨૦૨૧ નું ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજાે અથવા સંસ્થાઓ બાબત (સુધારા) વિધેયકને રજૂ કરાશે તો રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા સન ૨૦૨૧નું ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભામાં તબિયત લથડી

ગુજરાત વિધાનસભામાં રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અચાનક તબિયત લથડી હતી. જેના કારણે તાત્કાલિક તેમના મંત્રી નિવાસ લઈ જવાયા હતા. જ્યાં હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે મળેલી બેઠકમાં પ્રશ્નોત્તરી સમય પૂર્ણ થયા બાદ રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. જેમાં તેમને અચાનક ઉલ્ટી થઈ હતી. જેના કારણે તેમને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જેથી ત્યાર બાદ મહેસૂલ મંત્રી કૌશિક પટેલને તેમના મંત્રી નિવાસ ખાતે લઈ જવાયા હતા.આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ભોજનમાં કંઈક આવી ગયું હોવાથી તેમને ઉલ્ટી થઈ હતી. હાલમાં કોઈ ચિંતાજનક બાબત નથી.