દિલ્હી-

કોરોના મહામારીની બીજી લહેરના પરિણામે ભારતમાં રોજગારીની સ્થિતિ અત્યંત દયનિય બની ગઇ છે એવું જણાવતા સેન્ટ્રર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઇઆઇ) એ જણાવ્યુ કે, ભારતમાં લેબર માર્કેટની સ્થિતિ એપ્રિલ-મે દરમિયાન ગત વર્ષની તુલનાએ પણ અત્યંત ખરાબ છે જ્યારે પાછલા વર્ષે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન હતુ. સીએમઇઆઇ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં મે ૨૦૨૧માં બેરોજગારીનો દર વધીને ૧૧.૯ ટકા થયો છે, જે જૂનમાં પણ વધી રહ્યો છે.

૬ જૂન, ૨૦૨૧ સુધીના ૩૦ દિવસનો સરેરાશ બેરોજગારીનો દર હાલ ૧૩ ટકાના સ્તરે પહોંચી ગયો છે. તો બીજી બાજુ શ્રમિકોની ભાગીદારી ૪૦ ટકાથી નીચે ઉતરી ગઇ અને તે હાલ ૩૯.૭ ટકા થઇ ગઇ છે. તો શ્રમ બજારના સૌથી મોટો માપદંડ ગણાતો રોજગારી દર મે મહિનામાં ઘટીને ૩૫.૩ ટકા અને ૬ જૂન, ૨૦૨૧ સુધીમાં વધુ ઘટીને ૩૪.૬ ટકા ટકા થયો છે. સીએમઇઆઇના સીઇઓ મહેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, એપ્રિલ અને મે ૨૦૨૦ના દેશવ્યાપી લોકડાઉન બાદ જ ભારતના લેબર માર્કેટની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન લેબર માર્કેટની સ્થિતિ ઝડપથી બગડી છે. જાે કે તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રોમાં ગુમાવેલી અનૌપચારિક નોકરીઓમાં ઝડપી રિકવરીની અપેક્ષા છે, પરંતુ લોકડાઉનથી સ્વતંત્ર રોજગારમાં પણ સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧ બાદથી કૃષિ સિવાયના ક્ષેત્રોમાં કુલ ૩.૬૮ કરોડ લોકોએ ગુમાવી છે. તેમાં દૈનિક વેતન મેળવતા મજૂરોની સંખ્યા ૨.૩૧ કરોડ છે. તો પગારદાર લોકોની સંખ્યા ૮૫ લાખ અને બાકીના સ્વરોજગાર મેળવનાર છે. રોજગારી મોરચે પરિસ્થિતિ સુધારવા કે વર્ષ ૨૦૧૯-૨૦ના સ્તરે પરત લઇ જવા માટે ભારતીય અર્થવ્યવસ્થામાં મક્કમ રિકવરીની આવશ્યકતા છે.