વડોદરા  : વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આજે ભાજપના જ કોર્પોરેટરોએ પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. સભાના આરંભ સાથે જ ભાજપના જ કોર્પોરેટરો દ્વારા પોતાની જ શાસન વ્યવસ્થા સામે સવાલ ઊભા કરી વડોદરા શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીનો અવાજ ઉઠાવતાં અન્ય સાથી કાઉન્સિલરોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. એક તબક્કે પાણીના મુદ્દે પાણીપતના દ્રશ્યો સર્જાયા હોય તેમ ભાજપના જ બે જૂથો વચ્ચેની જૂથબંધી ખુલ્લી પડી હતી.

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આજે ભાજપના જ કાઉન્સિલરોએ પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. સભાના આરંભ સાથે જ પૂર્વ વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય અજીત દધીચીએ પાણીના મુદ્દે અધિકારીઓ કામ નહિ કરતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પાણીનો પુરતો પુરવઠો હોવા છતાં પણ માત્ર ને માત્ર અધિકારીઓની અણઆવડત, નિષ્કાળજી અને ખરાબ વિતરણ વ્યવસ્થાના કારણે શહેરમાં પાણીની તંગી ઉભી થઇ છે.

અજીત દધીચિના સૂરમાં સૂર પુરાવતા ભાજપના કાઉન્સિલર અને પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગારે પણ કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી સામે સવાલ ઉઠાવ્યા હતા. સત્તાધારી પક્ષના જવાબદાર હોદ્દા પર હોવા છતાં પણ સભામાં બેબાકપણે બોલતા મનિષ પગારે જણાવ્યું હતું કે શહેરમાં જાે ૨૦૦ એમએલડી પાણી આવશે તો પણ ખરાબ વિતરણ વ્યવસ્થાના કારણે તે પૂરું થઈ શકે નહીં. આ સમયે તેઓએ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોર્પોરેશન પાણી પુરવઠા શાખાના અધિકારીઓ સુષુપ્ત અવસ્થામાં છે તેઓ કોઈપણ પ્રકારની કામગીરી કરવા માટે તૈયાર નથી અને આ ખરાબ વિતરણ વ્યવસ્થાના કારણે જ વડોદરા શહેરમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે.

મનીષ પગાર ની વાત વચ્ચે જ વાત સાથે સંમત પૂર્વ વિસ્તારના ભાજપના કાઉન્સિલર આશિષ જાેશીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તેમના વિસ્તારમાં એક મહિના સુધી પાણીની લાઇન લીકેજ હતી વારંવારની ફરિયાદો છતાં પણ અધિકારીઓ દ્વારા તેને ધ્યાને લેવાઈ નહતી. આ અંગે ભારે વિવાદ બાદ ખુદ મેયરની મધ્યસ્થી પછી બે દિવસમાં એ લીકેજ બંધ થઈ અને લોકોને પાણી મળતું થયું હતું. ત્યારે અધિકારીઓની આવી બેદરકારીના કારણે વડોદરા શહેરના નાગરિકોને પાણી નથી મળતું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નાગરિકોના રોષનો ભોગ બનવું પડે છે.

સામાન્ય સભાની આ બેઠકમાં પક્ષ અને વિરુદ્ધમાં જઈને બોલવાની હિંમત બીજા કાઉન્સીલરો કરી શક્યા ન હતા પરંતુ સભા દરમિયાન રજૂઆત કરી રહેલા ભાજપના જ કેટલાક કાઉન્સીલરોના સમર્થનમાં જાેરદાર તાળીઓ પાડીને રજૂઆતને વધાવી લીધી હતી. મેયર કેયુર રોકડિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ભાજપના જ કાઉન્સિલરોએ પાણીના મુદ્દે પાણીપત સર્જતા ભાજપનું જ એક જૂથ ગેલમાં આવી ગયું હતું. સામાન્ય સભાની બેઠકમાં જાેવા મળેલી આજની આ જુથબંધી આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પાડે તેવું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.

હોદ્દેદારો માન નહીં રાખે તો અધિકારીઓ ક્યાંથી રાખશે?

સામાન્ય સભાની બેઠકમાં ભાજપના કાઉન્સીલરો રજૂઆત કરી રહ્યા હતા ત્યારે મેયર અને પક્ષના નેતા દ્વારા તેઓને અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમયે ભાજપના કોર્પોરેટરોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે જાે પક્ષના હોદ્દેદારો જ અમારું માન નહીં રાખે તો અધિકારીઓ પણ અમને માન નહીં આપે. એટલે કે પરોક્ષ રીતે એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપના કોર્પોરેશન હોદ્દેદારો જ તેમના સાથી કાઉન્સિલરોને માન નથી આપતા ને એના કારણે અધિકારીઓ પણ તેઓને માન નથી આપતા. જાે વાત સાચી હોય તો આગામી દિવસોમાં ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

પક્ષના નેતાને કાઉન્સિલરોએ બેસાડી દીધા

સામાન્ય સભાની બેઠકમાં ભાજપના કાઉન્સીલરો દ્વારા થઈ રહેલી રજૂઆત અટકાવવા માટે ભાજપના પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયા એ કાઉન્સીલરોને બેસી જવા માટે કહ્યું હતું પરંતુ ભાજપના આ નેતાને કાઉન્સિલરોએ બેસાડી દઇ કહ્યું હતું કે તમે અમને અમારી રજૂઆત કરતાં અટકાવી નહીં શકો. પક્ષના નેતાને જ આવી રીતે બેસાડી દેવામાં આવતા એક સમયે સામાન્ય સભાની બેઠકમાં સન્નાટો છવાઇ ગયો હતો.

મેયરે કહ્યું

હવે તમે કમિટીના અધ્યક્ષ

સામાન્ય સભાની બેઠકમાં જ્યારે ભાજપના કાઉન્સીલરો ગેરકાયદેસર કનેક્શન અને લિકેજના મામલે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે મેયર કેયુર રોકડીયાએ ડાયસ પરથી એવી જાહેરાત કરી હતી કે હવે તમે લોકો આ કમિટીના સભ્ય અને અધ્યક્ષ ગેરકાયદેસર કનેક્શન શોધી લાવો. આપણે તેને કાપીને તેનું નિરાકરણ કરીશું. પરંતુ મેયરના આવા વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કાઉન્સિલરોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અધિકારીઓનું કામ અમે શું કામ કરીએ? અમારું કામ રજૂઆત કરવાનું છે. ગેરકાયદેસર કનેક્શન શોધવા અને લીકેજ શોધી તેનું રિપેરિંગ કરવું એ કામગીરી વહીવટી તંત્રના અધિકારીઓની છે. શાસક પક્ષના કાઉન્સીલરો દ્વારા કરવામાં આવેલી આવી રજૂઆત ના પણ ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.

વિપક્ષી નેતાએ પણ

કટાક્ષ કર્યો

સામાન્ય રીતે સામાન્ય સભાની બેઠકમાં શાસક પક્ષની ભૂલો પર વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવતા હોય છે. પરંતુ આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકામાં શાસક પક્ષના કાઉન્સીલરો જાેવા મળ્યા હતા. આ દ્રશ્ય જાેઈ વિપક્ષી નેતા અમી રાવતે શાસક પક્ષના કાઉન્સિલરની રજુઆતોને બિરદાવી હતી. અને, વહીવટી તંત્રની આવી ભૂલો જાહેરમાં સ્વીકાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.