અમદાવાદ, પ્રવાસી શિક્ષકોને માનદ વેતન અને એરિયર્સ ચુકવી દેવાના હાઇકોર્ટના સિંગલ જજના આદેશની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટની ડિવીઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરી છે. જે અપીલમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે એવું નિવેદન કર્યું હતું કે કોરોનાની મહામારીના પગલે સરકારે માનવીય અભિગમ દર્શાવી આઉટસોર્સિંગ પરના કર્મચારીઓની લોકડાઉન(૨૫મી માર્ચથી ૩૧મી મે) સુધીની ફરજને ધ્યાન પર લઇને તે સમયનું વેતન ચુકવવાનું કહી દીધું છે. પ્રસ્તુત કેસના ૫૧ શિક્ષકોની ખરાઇ કર્યા બાદ હાઇકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ તેમને ચુકવવાના થતાં વેતનની રકમ જમા કરાવી દેશે. હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાની ખંડપીઠે સરકારને ઉક્ત નિવેદન મુજબ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે અને સિંગલ જજના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો છે.  

આ મૂળ મામલો પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના ૫૧ જેટલા પ્રવાસી શિક્ષકોનો છે. જેમણે હાઇકોર્ટ સમક્ષ વેતન સંદર્ભે અરજી કરી હતી. જે રિટમાં ચુકાદો આપતાં સિંગલ જજે નોંધ્યું હતું કે અરજદાર શિક્ષકો કોરોના મહામારીના પીડિતો હોવા છતાંય તેમને માનદ વેતન ચુકવવામાં આવ્યું નથી. તેથી રાજ્ય સરકાર તેમને દર મહિનાની સાતમી તારીખ સુધીમાં જ્યાં સુધી શાળાઓમાં નિયમિત શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી વેતન ચુકવે. તે ઉપરાંત ફેબ્રુઆરી ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીનું એરિયર્સ પણ ચાર સપ્તાહમાં ચુકવી આપે. જ્યારે કે એક બીજાે આદેશ કરી આ આદેશની અમલવારી કરવાનો હુકમ પણ સિંગલ જજે કર્યો હતો. સિંગલ જજના આ બંને ચુકાદાને રાજ્ય સરકાર તરફથી બે અપીલ મારફતે પડકારવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે,વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં આ પ્રવાસી શિક્ષકો ફરજ બજાવે છે. જાે કે જ્યારે જેતે શાળાના નિયમિત શિક્ષકો રજા પર હોય ત્યારે શાળા દ્વારા પ્રવાસી શિક્ષકોની સેવા લેવામાં આવે છે. તેમની સેવા બદલે શાળા ચોક્કસ સમય માટેના વેતનનો દાવો ડીઇઓ સમક્ષ કરે છે અને ત્યારબાદ દાવા મુજબની રકમ છુટી કરવામાં આવે છે. જે અંતે પ્રવાસી શિક્ષકોને આપવામાં આવે છે. જ્યારે કે શિક્ષકો તરફથી દલીલ કરવામાં આવી હતી કે,ત્રણેય જિલ્લાઓમાં નિયમિત શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ભરવામાં ન આવી હોવાથી આ પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. તેઓ લાંબા સમયથી નિયમિત શિક્ષકોની જેમ જ નિયમિત સેવાઓ આપી રહ્યા છે. તેથી તેમની સર્વિસને નિયમિત ગણવામાં આવે અને તેમને નિયમિત વેતન અને ભથ્થા વગેરે ચુકવવામાં આવે.  હાઇકોર્ટની ડિવીઝન બેંચે આ કેસની સુનાવણી ૧૯મી જાન્યુઆરીએ ફિક્સ કરી છે.