મુંબઈ

ઈન્ડિયન પ્રીમિયમ લીગ ના ૧૪માં સીઝનની ચોથી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સનો ૪ રનથી માત આપી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે ૨૨૧ રન બનાવ્યા હતા અને રાજસ્થાન રોયલ્સને જીત માટે ૨૨૨ રનનું લક્ષ્ય આપ્યું હતું.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગૂમાવી ૨૧૭ રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને શાનદાર ઈનિંગ રમી હતી. જો કે તેઓ મેટ જીતાડી શક્યા નહોંતા. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમને પ્રથમ ઝટકો મોહમ્મદ શમીએ આપ્યો હતો અને પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર બૈન સ્ટોક્સને પેવેલિયન ભેગો કર્યો હતો. 

આ પહેલા પંજાબ કિંગ્સે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગૂમાવીને ૨૨૧ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન કે.એલ. રાહુલે ૯૧ રન બનાવ્યા હતા અને દીપક હુડ્ડાએ ૨૦ બોલમાં અડધી સદી ફટકારી હતી. તેઓએ ૬૪ રન કર્યા હતા. રાજસ્થાન તરફથી ચેતન સાકરિયાએ ડેબ્યુ મેચમાં ૩ વિકેટ ખેરવી હતી.

ટૂર્નામેન્ટમાં પણ કોરોના વાયરસનો ખતરો છે. લીગની શરૂઆત પહેલા કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતું મેચ માટે જૈવિક સુરક્ષિત વાતાવરણને કારણે, ભારતીય ક્રિકેટ બોર્ડ ને આશા છે કે ગત વર્ષે જેમ આઈપીએલનું આયોજન સફળ થયું હતું, તે રીતે આ વખતે પણ આઈપીએલનું આયોજન સફળ થશે.