વડોદરા, તા.૯

લોકડાઉન બાદ અનલોક-૧ના બીજા તબક્કામાં કોરોના વાઇરસ વધુ ઘાતક બની રહ્યો છે તેના વિકરાળ પંજામાં વધુને વધુ લોકો સપાટામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલા વધુ ૩૨ દર્દીઓના પોઝિટિવ કોરોના રીપોર્ટ સામે આવ્યા હતાં. આ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૩૭૨ પર પહોંચી હતી જ્યારે એક મહિલા સહિત ચાર દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાં. આ સાથે કોરોનામાં બિન સારવાર દર્દીઓનો મૃત્યું આંક ૧૦૧ પર પહોંચ્યો હતો. જ્યારે સારવાર દરમિયાની કોરોના મુક્ત થયેલા ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં દર્દીઓના ડિસ્ચાર્જનો આંક ૮૭૧ પર પહોંચ્યો હતો. દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી ૧૮૫ સેમ્પલો લેવામાં આવ્યા હતાં. વિતેલા ૨૪ કલાકમાં એક મહિલા સહિત ચાર દર્દીઓના મોત નિપજ્યાં હતાં. બે પોઝિટિવ તથા બે દર્દીઓના રીપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. 

શહેરના લાલબાગ પાસે આવેલ શકુંતલા એપાર્ટમેન્ટમાં રહેતા શીતાલામ પ્રભાકર શાસ્ત્રી ઉ.૬૭ને હિમોગ્લોબિન ઓછું થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. શ્વાસની તકલીફ થતાં તબિબે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. તે બાદ તેમનું મોત નિપજ્યું હતું. શહેરના પાંડવ રોડ પરના જમનાબાઇ હોસ્પિટલ પાસે આવેલ ડોસુમીયાની ચાલીમાં રહેતા આયેશાબાનું ઉ.૬૫ ફેફ્સાની બિમારી તથા હાઇપર ટેન્શન તેમજ ડાયાબિટીસની બિમારી ધરાવતાં હતાં. તેમને શ્વાસની તકલીફ ઉભી થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વાડી ટાવર પાસે આવેલ પરમેશ્વર મંદિર પાશે રહેતા રમેશચંદ્ર ત્રીવેદી ઉ.૭૦ને તાવ અને શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. તેમનો પણ કોરોનાનો રીપોર્ટ આવે એ પહેલાં જ શંકાસ્પદ કોરોનામાં મોતને ભેટ્યા હતાં. એજ રાત્રે ફતેપુરા મેલડી માતાના મંદિર પાસે રહેતા શ્રીકાંન્તભાઇ ઉ.૭૫ બિમારીમાં સપડાયા હતાં. તેમનો પણ કોરોનાનો રીપોર્ટ આવે એ પહેલાં જ મોત થયું હતું. મોતને ભેટેલા તમામને કોરોનાની ગાઇર્ડ લાઇન્સ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી. 

સયાજી હોસ્પિટલમાં ફાળવેલા વેન્ટીલેટરોનું ટેસ્ટીંગ કરાયું 

કોરોના દર્દીઓની સારવાર માટે સરકારે સયાજી અને ગોત્રી હોસ્પિટલ માટે ફાળવેલા સ્વદેશી ૨૫ વેન્ટીલેટરો પૈકી સયાજી હોસ્પિટલને મળેલા ૧૦ વેન્ટીલેટરોનું આજે એનેસ્થેસિયલ તથા મેડિસીન વિભાગના તજજ્ઞ તબિબો દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી વેન્ટીલેટરો તજજ્ઞ તબિબોના ટેસ્ટીંગમાં ખરા ઉતર્યાે બાદ આ વેન્ટીલેટરોને આઇસોલેશન સહિત અન્ય ક્યાં વિભાગોમાં ગોઠવવાના છે તેની હોસ્પિટલમાં ઉચ્ચ તબિબ અધિકારીઓની સુચના અનુસાર જેતે વિભાગમાં મોકલવામાં આવશે તેમ માહિતગાર તબિબસુત્રોએ જણાવ્યું છે. ૨૫ પૈકી ૧૫ વેન્ટીલેટરો ગોત્રી હોસ્પિટલમાં મોકલવાના હોવાનું ઉમેર્યું હતું. 

સેવાસદનના આરોગ્ય તંત્રએ ટાસ્ક ફોર્સની રચના કરી 

વડોદરા : કોરોનાના દર્દીઓને વધુ સધન તેમજ ઝડપી ટ્રીટમેન્ટ મળી રહે તેવા ઉદેશથી સેવાસદનના આરોગ્ય તંત્ર દ્વારા ટાસ્ક ફોર્સની ટીમ બનાવી છે. આ ટીમમાં ગોત્રી હોસ્પિટલ, ચેપીરોગ હોસ્પિટલના તેમજ આઈએમએના તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સના ટીમ કોરોના દર્દીઓના નિયમિત મુલાકાત લઈને દર્દીઓ તકલીફની તમામ પાસાઓને સમાધાન કરશે. જેના આધારે દર્દીઓને સારવાર આપવામાં આવશે દર્દીઓની તકલીફનું નિવારણ કરવામાં આવશે. 

જિલ્લાના ૩ ગામોના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરાયા 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ, વડોદરા તાલુકાના કરોડિયા અને વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામોમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાતા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની સૂચનાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તકેદારીના પગલારૂપે જાહેરનામા દ્વારા ૩ ગામના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી વિવિધ નિયંત્રણો અમલમાં મૂક્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી.