મુંબઈઃ 

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કમાલની બેટિંગ કરી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સૌથી સફળ બોલરની એક ઓવરમાં તેણે ૫ સિક્સ સાથે કુલ ૩૭ રન ફટકારી દીધા. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકવાના મામલામાં હવે આ રેકોર્ડ સંયુક્ત રૂપથી હર્ષવ પટેલના નામે થઈ ગયો છે. 

બેંગલોર વિરુદ્ધ કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ૧૯મી ઓવર સુધી ટીમનો સ્કોર ૪ વિકિટે ૧૫૪ રન હતો. ૨૦ ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર ૧૯૧ રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ ૫ છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ ૩૭ રન ફટકાર્યા હતા. આ સીઝનમાં સૌથી વધુ વિકેટ હાસિલ કરનાર બોલરે હવે એક ઓવરમાં સૌથી વધુ રન આપી દીધા. પ્રથમ ચાર બોલ પર જાડેજાએ ચાર સિક્સ ફટકારી, જેમાં એક નો-બોલ પણ સામેલ હતો. પાંચમાં બોલ પર ફરી સિક્સ અને અંતિમ બોલ પર બાઉન્ડ્રી આવી હતી. કુલ મળીને હર્ષલે એક ઓવરમાં ૩૭ રન આપ્યા જે ટૂર્નામેન્ટમાં સૌથી મોંઘી ઓવરનો સંયુક્ત રેકોર્ડ છે.