રાજકોટ, રાજકોટ જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે હરીફ જૂથના વિજય સખિયાને બહાર કરી જયેશ રાદડિયા જૂથના મહેશ આસોદરિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આ દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થતાં વિજય સખિયાએ પણ મહેશ આસોદરિયાને સમર્થન આપ્યું છે.રાજકોટ-લોધિકા સંઘની આજે જનરલ બોર્ડની મીટિંગ મળી હતી, જેમાં રાજકોટ જિલ્લા બેંકના પ્રતિનિધિની નિયુક્તિની પેન્ડિંગ દરખાસ્તની ચર્ચા કરવામાં આવી હતી. જાેકે લોધિકા સંઘમાં વિઠ્ઠલભાઈની જેમ જયેશ રાદડિયાનો દબદબો યથાવત્‌ રહ્યો છે, કારણ કે ભાજપ દ્વારા આપવામાં આવેલા વ્હિપને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો અને વિજય સખિયાએ પણ વ્હિપ પ્રમાણે મતદાન કર્યું હતું. બેઠક બાદ રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહેશ આસોદરિયાની નિયુક્તિની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. નિયમ મુજબ દરખાસ્ત બોર્ડમાં મૂકી હતી. અગાઉ લીગલી ઇસ્યુને કારણે દરખાસ્ત પેન્ડિંગ રખાઇ હતી. વિજય સખિયાને દૂર કરી બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની નિમણૂક કરવામાં આવી છે. આ દરખાસ્ત મંજૂર કરવાની સૂચના પાર્ટીએ આપી હતી. બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. બેંકના પ્રતિનિધિ તરીકે વિજય સખિયાની જગ્યાએ હવે મહેશ આસોદરિયા રહેશે. બેઠક બાદ જયેશ રાદડિયા જૂથના હરીફ જૂથના નીતિન ઢાંકેચાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રતિનિધિની નિયુક્તિનો બેંકને અધિકાર હોય છે. અગાઉ પાર્ટીની સૂચનાથી દરખાસ્ત પેન્ડિંગ રાખી હતી છતાં પણ આ અમારી જીત છે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાને આ માટે પ્રદેશ કક્ષાએ જવું પડ્યું છે. અત્યારસુધી એકતરફી ર્નિણયો થતાં હવે પ્રદેશમાં જવાબ આપવા પડી રહ્યા છે. અત્યારસુધી બેંક પ્રદેશની સલાહ લેતી નહોતી, આજે એક પ્રતિનિધિ માટે પ્રદેશની સલાહ લેવી પડી છે. અમે પાર્ટીમાં અને પાર્ટી અમારી સાથે છે. જાેકે પાર્ટીએ રાદડિયા જૂથ બાજુ રહેવા કહ્યું છે. પાર્ટી જયેશ રાદડિયાની સાથે હોય એવું કહી શકાય. બેંકમાં અમારી ભ્રષ્ટાચારની લડત ચાલુ રહેશે. પ્રદેશ ભાજપના આદેશ બાદ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વ્હિપ આપવામાં આવ્યો હતો. જયેશ રાદડિયા જૂથના મહેશ આસોદરિયાતરફી ઝુકાવ રાખવા વ્હીપ આપવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં જયેશ રાદડિયાએ રાજકોટ લોધિકા સંઘમાંથી બેંકના પ્રતિનિધિ તરીકે હરીફ જૂથના વિજય સખિયાને દૂર કર્યા હતા. બાદમાં જયેશ રાદડિયાએ બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની દરખાસ્ત કરી હતી. રાદડિયાની દરખાસ્તને પ્રદેશે ગંભીરતાથી લીધી છે. હરીફ જૂથના નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાએ થોડા દિવસ પહેલાં મહેશ આસોદરિયાને પાડાસણ સહકારી મંડળીમાં દૂર કર્યા હતા.