મહેસાણા : મહેસાણા જિલ્લા પંચાયતની મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં ૧૫મા નાણાંપંચની ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટમાંથી કામોના આયોજન અંગેની ચર્ચા કરી સદસ્યોની ભલામણ અને ગ્રામ પંચાયતોની મળેલી દરખાસ્તો ચકાસણી બાદ મંજુરી માટે વિકાસ કમિશ્નર સમક્ષ મોકલવાનો ઠરાવ કરાયો હતો.મહેસાણા જિલ્લા પંચાયતના હોલમાં મંગળવારે બપોરે જિલ્લા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલના અધ્યક્ષસ્થાને અને ડીડીઓ એમ.વાય.દક્ષિણીની હાજરીમાં સામાન્ય સભા યોજાઈ હતી. ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ, કારોબારી ચેરમેન અજીત મકવાણા સહિત સદસ્યો અને વિવિધ શાખા અધિકારીઓ હાજર રહ્યા હતા. ગત સભાની કાર્યવાહી, અમલવારી, વિવિધ કમિટીઓની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલ રાખવામાં આવી હતી. ઉપરાંત ૧૫મા નાણાંપંચની ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટમાંથી કામોના આયોજન માટે વિવિધ કામોની સદસ્યોની ભલામણ અને ગ્રામ પંચાયતોની આવેલી દરખાસ્તોની ચકાસણી કરી ગાઈડલાઈન મુજબ યોગ્ય કામો મંજુરી માટે વિકાસ કમિશ્નર સમક્ષ મોકલવા અંગેનો ઠરાવ કરાયો હતો. કદાચ આ છેલ્લી સભા હોય તો એમ કહીં પ્રમુખ સહિત સદસ્યોએ પાંચ વર્ષ દરમિયાન ડીડીઓએ જિલ્લાના વિકાસના કામોમાં તમામ સદસ્યોને સંપૂર્ણ સહકાર આપી ઉત્તમ વહીવટ કર્યો હોવાનું કહીં તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીડીઓએ પણ સદસ્યોએ જિલ્લામાં વિવિધ નવી યોજનાઓના અમલ સહિત સાવર્ત્રિક, સવાર્ગીં અને સાતત્યપૂર્ણ વિકાસ કરવામાં સદસ્યોનો સતત સહયોગ સાંપડ્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, એક મહિલા સદસ્યએ ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ સદસ્ય ગ્રાન્ટની જેમ સદસ્યોને ફાળવવાની માંગ કરતાં ડીડીઓએ આવી કોઈ જોગવાઈ ન હોવાનું જણાવ્યું હતું.