રાજપીપળા,  રાજપીપળા નગરપાલિકાની આગામી ૨૮/૨/૨૦૨૦ ના રોજ ચૂંટણી યોજાશે.હવે રાજપીપળા પાલિકાના ૭ વોર્ડ માટેની ૨૮ બેઠકો માટે ભાજપમાંથી ૧૧૭ સભ્યોએ દાવેદારી કરી છે.રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ જીગીશા ભટ્ટે વોર્ડ ૪ અને ૬ માંથી દાવેદારી નોંધાવી છે.પણ આ વખતની પાલિકા ચૂંટણીમાં ભાજપ અને જનહિત રક્ષક પેનલ વચ્ચે જ મુખ્ય જંગ છે.બીજી બાજુ આ વખતે રાજપીપળા પાલિકામાં સત્તા હાંસિલ કરવા અમુક કોંગ્રેસી કોર્પોરેટરો અપક્ષ ઉમેદવારી પણ કરે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.રાજપીપળા પાલિકામાં જીત મેળવવા ભાજપ તેલ નહીં પણ તેલની ધાર જાેઈ જન હિત રક્ષક પેનલના ઉમેદવારોને ધ્યાનમાં રાખી પછી જ પોતાના ઉમેદવારો જાહેર કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે.રાજપીપળા નગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટરો વોર્ડ ૭ ના હરદીપ સિંહ સિનોરા અને વોર્ડ ૪ ના દત્તા બેન ગાંધીએ આ વખતે જનહીત રક્ષક પેનલ માંથી ઉમેદવારી કરશે, એમની જીત પર સૌની નજર રહેશે.રાજપીપળા પાલિકાના શાસકોએ ૫ વર્ષ દરમિયાન ઘણા બધા વિકાસના કામો પણ કર્યા છે, પણ વિકાસના કામોમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લાગ્યા છે.રાજપીપળા પાલિકામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે કોઈ સમિતિની નિમણૂક કરી ન હોવાથી વિવાદ થયો હતો.બીજી બાજુ કોરોના મહામારીમાં શહેરીજનોના માથે વેરા વધારાનો પાલિકાએ બોજ નાખતા એનો પણ ભારે વિરોધ થયો હતો.આ બધી બાબતો આ વખતની ચૂંટણીમાં ભાજપને ચોક્કસ નડશે.રાજપીપળા પાલિકા ચુંટણીની જાહેરાત થતા પેહલા જ ગંભીર આક્ષેપો સાથેનું પત્રિકા યુદ્ધ પણ ચાલુ થઈ ગયું છે.ગત ટર્મના વિવાદને ધ્યાનમાં રાખી ૨-૩ લોકોને બાદ કરતાં જુના ઉમેદવારો માંથી મોટે ભાગના લોકોને ભાજપ આ વખતે રિપીટ નહિ કરે એવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.