વાઘોડિયા,તા.૧

વાઘોડિયાના તવરા ગામે રહેતી અંજના અને રીટા નામની ૧૯ વર્ષીય સહેલીઓ બપોરે નર્મદા કેનાલમાં કપડાં ધોતા પગ લપસતાં એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતા ઊંડા પાણીમાં ડૂબી જતાં મોતને

ભેટી હતી.

વાઘોડિયા તવરા ગામમા મોટા ફળિયામાં રહેતા મહેશભાઈ છગનભાઈ પરમાર ના પત્ની નું થોડા મહિનાઓ પહેલા અવસાન થતાં તેના પરિવારમાં બે દીકરી અને એક દીકરો સાથે રહેતા હતા. જેમા મોટી દિકરી અંજના (૧૯) નુ વાઘોડિયાના આંકડીયાપુરા ગામે સગાઈ થતાં પરિવાર થોડા મહિનામા લગ્નની તૈયારીઓ આરંભવાની હતી. આજે તેનો જન્મ દિન ઊજવે તે પહેલાં જ તેઓ મોતને ભેટ્યા હતા.

દંખેડા જવાના રોડપર ખેતરમા ઘર બાંઘી રહેતા પ્રવિણભાઈ શાંતિલાલ પરમાર ના પરિવારમા એક દિકરો અને એક દિકરી હતા. જેમા સૌથી મોટી દીકરી રીટા ઉર્ફે ગંગા પ્રવીણભાઈ પરમાર(૧૯) નુ સગપણ સાવલી તાલુકાના ડુંગરી પુરા ગામે કર્યુ હતુ. જેવોએ દિકરીના ધામધૂમથી થોડા મહિનામા લગ્ન કરવાના હતા. બંન્ને પરિવારની દીકરીઓ અંજના અને રીટા લગભગ ઉંમરમાં સરખી હોવાથી બંને વચ્ચે પાક્કી મિત્રતા હતી. બંનેના સગપણ થતા બંને સહેલીઓ ના થોડા મહિનામા લગ્ન થવાના હતા.

આજે બપોરે રીટા અને અંજના દંખેડા તરફ જવાના રોડ પર પસાર થતી નર્મદા કેનાલમાં કપડાં ધોવા માટે સાથે ગયા હતા. કપડા ધોતા ધોતા અચાનક અંજના નો પગ કેનાલમાં લપસતા પાણીના વહેણમાં તણાવવા માંડી હતી. પોતાની જીગરજાન સહેલીને બચાવવા માટે રીટા પણ પાણીમાં લપસી ગઈ હતી.અને તણાવા લાગી હતી. જોકે રીટા અને અંજનાને પાણીમાં તરફડીયા મારી ડૂબતા જોતા કેનાલ પાસે રહેતા પરિવારની નજર જતા બચાવવા માટે મદદમાટે બૂમાબૂમ કરી હતી. ગણતરીની ઘડીઓમાં ગામલોકો કેનાલ પર દોડી આવ્યા હતા. પરંતુ અંજના અને રીટા ને કોઈ મદદ પહોંચે તે પહેલાં જ પાણીના પ્રવાહમા ગરકાવ થઇ ગઇ હતી.

ઘટનાની જાણ વાઘોડિયા પોલીસની કરાતા વાઘોડિયા પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ અંજના અને રીટા ને શોધવા માટે કેનાલના પાણીમાં ઝંપલાવ્યું હતું . અને શોધખોળ આદરી હતી. આખરે બે કલાકની ભારે જહેમત બાદ ઘટનાસ્થળેથી ૫૦૦ મીટર દૂર અંજના અને રીટા ના મૃતદેહને શોધી કાઢી કેનાલ બહાર કાઢવામાં આવ્યા હતા. વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ બંને મૃતદેહોને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.