અંજાર-

ચરોતર વિધામંડળ તથા આઈસ્ટાર કોલેજ દ્વારા વલ્લભ વિધાનગરમાં નાસા સ્પેસ એપ્લિકેશનની પ્રતિયોગિતા ઓક્ટોબર-2020માં પ્રથમ વખત યોજાઈ હતી. અમેરિકાની નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસન (નાસા)ની આગેવાની હેઠળ આ પ્રતિયોગિતા કેનેડા, જાપાન, ફ્રાન્સ તથા યુરોપની સ્પેસ એજન્સી દ્વારા સંયુક્તપણે પ્રાયોજિત કરવામાં આવી હતી. ભારત તથા વિશ્વભરમાંથી 26000થી વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો, જેમાં અંજારની ચાન્સી રિતેષ શાહ અને તેની ટીમે રજૂ કરેલી મોબાઈલ એપના સંશોધનનો પ્રથમ નંબર આવતાં કચ્છ તથા ગુજરાતનું ગૌરવ વધ્યું છે. નાસા દ્વારા ૧૨ માર્ચના તેનું ઓનલાઈન સન્માન કરાશે.

વલ્લભ વિધાનગર ખાતે અભ્યાસ કરતી અંજારના જૈન સમાજની છાત્રા એન્જિનિયર ચાન્સીની આગેવાની હેઠળની ટીમે વરસાદી પૂરથી રાષ્ટ્રીય સંપત્તિ બચાવા તથા અસરકારક પગલાં ભરવા ઉપયોગી સેટેલાઈટ ઈમેજ તથા મોબાઈલ આધારિત ઉપયોગી એપ બનાવી હતી જે કેન્દ્ર, રાજ્ય સરકારની સાથે સાથે વિવિધ એજન્સીઓ માટે ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી નીવડે તેવી સંભાવના દર્શાવાઈ હતી. આ સંશોધનને ભારતમાં પ્રથમ ક્રમાંક સાથે ડિસેમ્બર ૨૦૨૦માં વિશ્વ કક્ષાએ નામાંકિત કરવામાં આવી હતી. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નાસાના વિજ્ઞાનીઓએ મૂલ્યાંકન કર્યા બાદ ૨૮ જાન્યુઆરી, ૨૦૨૧ના સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવેલ છે. કોરોનાની હાલની પરિસ્થિતિને લઈને નાસા દ્વારા ૧૨ માર્ચ, ૨૦૨૧ના ઓનલાઈન સન્માનિત કરવામાં આવશે.

લોકડાઉનનો પણ સદ્દઉપયોગ કરી ઓનલાઈન વિવિધ વિષયોમાં ભાગ લઈ 170 સર્ટિફિકેટ મેળવ્યાં છે. ચાન્સીને પૂછતાં જણાવ્યું હતું કે, તે સફળતાનો શ્રેય તેમના માતા-પિતા, પરિવારજનોને આપે છે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રોફેસરોના ઉત્સાહનો આભાર માન્યો હતો. ભવિષ્યમાં પણ ટેકનોલોજી આધારિત સંશોધન કરી દેશસેવામાં ઉપયોગી થવાની ઈચ્છા દર્શાવી હતી સાથે હાલમાં અમદાવાદ ઈસરો ખાતે વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ સેટેલાઈટ ઈમેજ પર સંશોધન કાર્ય કરી રહે છે. ઉપરોકત સફળતા મેળવી અંજાર જૈન સમાજનું નામ રોશન કર્યું છે.