નસવાડી , છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગુરૂવારના રોજ વાતાવરણમાં અચાનક પલટા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ શરૂ થતાં નસવાડી સીસીઆઈના ખુલ્લા મેદાનમાં પડેલા કપાસ અને કપાસિયાને ઢાંકવા માટે કર્મચારીઓએ દોડધામ કરી મૂકી હતી. નસવાડીમાં કમોસમી વરસાદને કારણે કપાસના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આખુ વર્ષ ખેડૂતોએ કુદરતી આફતોનો સામનો કર્યો હતો. વારંવારની નુકસાનીને લઇ ખેડૂતોને પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે. દરમિયાનમાં ગુરૂવારના રોજ ફરી પડતા પર પટુ સમાન નસવાડી તાલુકામા અચાનક માવઠું થતા કપાસની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નસવાડી તાલુકામાં કુલ ૩૧,૨૮૩ હેકટર વિસ્તારમાં ખેતી કરવામાં આવી છે. જે પૈકી ૨૩,૫૭૮ હેકટરમાં કપાસની ખેતી કરવામાં આવી છે. સારા કપાસના ઉત્પાદનની આશા સેવી રહેલા ખેડૂતોને ગત વર્ષે અતિવૃષ્ટિનો માર, ત્યારબાદ માવઠાથી નુકસાનીથી જેમ તેમ ઉભો થયેલા ખેડૂતને લોકડાઉનની ફટકાર પડી હતી. હવે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા કેવો ર્નિણય લેવામાં આવે છે તેની પર ખેડૂતોની નજર મંડાઇ છે.