વડોદરા

કોરોનાની મહામારી બાદ હવે મ્યુકોરમાઈકોસિસે શહેર-જિલ્લામાં હાહાકાર મચાવતાં વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ રોગમાં માનવશરીરના નાજુક અવયવો ઉપર ગંભીર અસર કરતો હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમજ ડરની દહેશત વ્યાપી ગઈ છે.હાલ શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં નવા ૧૦ દર્દીઓ અને ગોત્રી હોસ્પિટલમાં નવા ૩ દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની અસર હેઠળ કુલ ૧૩ નવા દર્દીઓ દાખલ થયા હતા. જેમાં અગાઉ દાખલ દર્દીઓમાં આજે સયાજી હોસ્પિટલમાં દાખલ એક દર્દીની આંખમાં ફંગસની ગંભીર અસરને કારણે આંખ કાઢી નાખવાની તબીબોને ફરજ પડી હતી. આ સાથે આજે તબીબોની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં મેજર અને માઈનોર મળી કુલ ૨૮ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં ૧૨ દર્દીઓની સર્જરી કરાઇ હતી. કુલ ૩૦ દર્દીઓની નાની મોટી સર્જરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ર૯ જેટલા દર્દીઓને ફંગસ ઈન્ફેકશનની ચકાસણી માટે બાયોપ્સી સેમ્પલો મોકલી આપવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે બંને હોસ્પિટલમાંથી ૧૦ દર્દીઓની તબિયતમાં સુધારો થવાથી તેઓને રજા આપવામાં આવી હતી. આ રોગની સારવાર ખૂબ જ લાંબી અને ખર્ચાળ હોવાથી મોટાભાગના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં હોવાથી સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.